સનાતન ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યોતિષાચાર્ય કુંડળી જોઇને વ્યક્તિના ભવિષ્ય અંગે જણાવે છે. કુંડળીમાં શુભ ગ્રહ નબળો થવાથી જાતકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગ્રહોની સ્થિતિ શુભ કરવા માટે જ્યોતિષીઓ રાશિ અનુસાર રત્ન ધારણ કરવાની સલાહ આપતા હોય છે.
ઘણીવાર અલગ અલગ ધાતુમાંથી બનેલ કડા ધારણ કરવાની પણ સલાહ આપવામાં આવતી હોય છે. એ જ રીતે જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ચાંદીનું કડું પહેરવાનું કહેવામાં આવે છે. ચાંદીનું કડુ ધારણ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના લાભ થઈ શકે છે ! તે વ્યક્તિના ક્રોધિત મનને પણ શાંત કરી શકે છે અને સાથે જ દેવી લક્ષ્મીની અપાર કૃપાની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. આવો, આજે તે જ વિષે વિગતે વાત કરીએ.
સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ
જ્યોતિષીના જણાવ્યા અનુસાર ચાંદીનું કડું ધારણ કરવાથી શરીરમાં સકારાત્મક શક્તિનો સંચાર થાય છે. એટલા માટે હાથમાં ચાંદીનું કડું ધારણ કરવું શુભ માનવામાં આવે છે. વ્યક્તિના મનમાં આવતા નકારાત્મક વિચારો ચાંદીનું કડું ધારણ કરવાથી દૂર થઈ જાય છે.
માનસિક શાંતિ અર્થે
જે જાતકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય છે, તેમનું મન હંમેશા અશાંત રહે છે. સાથે જ માનસિક તણાવ અને બેચેની રહે છે. જ્યોતિષીઓ ચંદ્રને મજબૂત કરવા માટે ચાંદીનું કડું ધારણ કરવાની સલાહ આવે છે. તેના માટે જાતકે કોઇપણ શુભ દિવસે કે શુક્રવારના દિવસે આ ચાંદીનું કડું ધારણ કરવું જોઇએ. તેનાથી આપનો ચંદ્રદોષ દૂર થાય છે અને વ્યક્તિ માનસિક તણાવમાંથી મુક્તિનો અનુભવ કરે છે.
ક્રોધને કરશે શાંત !
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યું છે કે ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે છે. તેને ધારણ કરવાથી શીતળતા પ્રાપ્ત થાય છે. જો કોઇ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવતો હોય તો તેણે ચાંદીનું કડું ધારણ કરવું જોઇએ. તેનાથી મન એકાગ્ર બનશે તેમજ શાંત રહેશે.
પ્રાપ્ત થશે દેવી લક્ષ્મીની કૃપા !
જ્યોતિષીઓનું માનીએ તો ચાંદીનું કડું પહેરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમની કૃપા આપની પર વરસે છે. તેનાથી જાતકના ઘરમાં ક્યારેય ધનની અછત નથી સર્જાતી. જો આપ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ તો કોઇપણ શુભ દિવસે કે શુક્રવારના દિવસે હાથમાં ચાંદીનું કડું ધારણ કરવું જોઇએ.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)