fbpx
Thursday, December 26, 2024

અપરા એકાદશી ક્યારે છે? જાણો, વ્રતની તિથિ, શુભ મુહૂર્ત અને ફળદાયી પૂજા વિધિ

ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ માસના વદ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે અપરા એકાદશીનું વ્રત 15 મે, સોમવારના રોજ કરવામાં આવશે. વર્ષની તમામ એકાદશીમાં અપરા એકાદશીનું એક આગવું જ મહત્વ છે. અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ કરવાનું વિધાન છે. સાથે જ વ્રત પણ રાખવામાં આવે છે.

આ અત્યંત ફળદાયી એકાદશીને અચલ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો, આ એકાદશીનું મહત્વ અને પૂજા વિધિ અંગે માહિતી મેળવીએ.

અપરા એકાદશી ક્યારે ?

અપરા એકાદશી તિથિનો પ્રારંભ 15 મે, સોમવારે સૂર્યોદય પૂર્વે જ થઈ જશે. સોમવારે રાત્રિના 02:46 કલાકે એકાદશી તિથિ શરૂ થશે. જે મંગળવારે મધ્યરાત્રીએ 1:03 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિની માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત 15 મે, સોમવારના રોજ કરવામાં આવશે.

પૂજાનું શુભ મુહૂર્ત

અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટેનું શુભ મુહૂર્ત 15 તારીખે સવારે 08:54 થી સવારે 10:36 સુધીનું રહેશે.

પારણાનો સમય

અપરા એકાદશી વ્રતના પારણા કરવા માટે તારીખ 16 મે, મંગળવારના રોજ સવારે 06:41 થી 08:13 સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે.

અપરા એકાદશી વ્રત મહિમા

અપરા એકાદશીનું વ્રત પરમ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે. આ વ્રત કરનાર જાતકને મૃત્યુ પછી મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. ભગવાન કૃષ્ણએ સ્વયં આ વ્રતના મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કિર્તીમાં વૃદ્ધિ થાય છે.

અપરા એકાદશી વ્રતની પૂજાવિધિ

⦁ અપરા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાનાદિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.

⦁ ઘરના પૂજા સ્થાન સન્મુખ બિરાજમાન થઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી સાચા મન અને શ્રદ્ધા સાથે અપરા એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લો.

⦁ વ્રતનું અનુષ્ઠાન પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું જોઈએ.

⦁ શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તેમને તુલસી પત્ર, પુષ્પ, ધૂપ અને દીપ જરૂરથી અર્પણ કરવા.

⦁ ભક્તે આ દિવસે અપરા એકાદશી વ્રતની કથાનું પઠન કરવું જોઈએ. પઠન થઈ શકે તેમ ન હોય તો કથાનું શ્રવણ કરવું જોઈએ. માન્યતા અનુસાર કથા શ્રવણથી પણ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.

⦁ અંતમાં પ્રભુની આરતી કરી પ્રસાદને ભક્તોમાં વહેંચવો જોઈએ.

⦁ સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશીએ વ્રતનું પારણું કરવું. તેમજ પોતાના સામર્થ્ય અનુસાર દાન આપવું.

અપરા એકાદશીની કથા

પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક રાજા હતો. આ રાજાનો નાનો ભાઇ વજ્રધ્વજ તેનાથી બહુ ઇર્ષ્યા કરતો હતો. એક દિવસે તેણે રાજાની હત્યા કરી દીધી અને તેના શબને લઇને જંગલમાં એક પીપળાના વૃક્ષની નીચે દાટી દીધું. અકાળ મૃત્યુના કારણે રાજાની આત્મા પ્રેત બનીને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી. ત્યાંથી જે પણ વ્યક્તિ પસાર થાય તેને રાજાની આત્મા ખૂબ પરેશાન કરતી હતી.

એક દિવસ એક તપસ્વી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા, તો તે આત્મા તેમને પરેશાન ન કરી શકી. તે તપસ્વીએ પીપળાના ઝાડ પરથી રાજાની પ્રેતાત્માને નીચે ઉતારીને તેને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. રાજાને પ્રેત યોનિથી મુક્તિ અપાવવા માટે ઋષિએ સ્વયં અપરા એકાદશીનું વ્રત કર્યું હતું. બારસના દિવસે વ્રત પૂર્ણ કર્યા પછી પોતાના વ્રતના પુણ્યને પ્રેતાત્માને આપી દીધું. અપરા એકાદશી વ્રતના પુણ્યની પ્રાપ્તિના કારણે રાજા પ્રેત યોનિથી મુક્ત થયા અને સ્વર્ગ લોકમાં સ્થાન પામ્યા.

ફળ પ્રાપ્તિ

માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી સાધકને અપાર સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી છે. પદ્મપુરાણમાં જણાવ્યા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે અને વ્યક્તિને પ્રેત યોનિથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનો મહિમા એટલો છે કે તે વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles