દરેક વ્યક્તિ જીવનમાં ધનવાન બનવા માટે સખત મહેનત કરતી હોય છે. પરંતુ, ઘણીવાર એવું બને છે કે સખત મહેનત છતાં પણ તેમને સફળતા નથી મળતી. કાર્ય પૂર્ણ થવાના આરે આવ્યા હોય અને તેમને અવરોધોનો સામનો કરવો પડતો હોય છે. નોકરીમાં સફળતા નથી મળતી. ઘરમાં નાણાં ટકતા નથી.
આ બધી જ સમસ્યા વાસ્તુદોષના કારણે થાય છે.
વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં કારકિર્દીમાં સફળતા મેળવવા અને ધનવાન બનવાના કેટલાક ઉપાયો દર્શાવ્યા છે. આ ઉપાયો અજમાવવાથી વ્યક્તિને નોકરી-ધંધામાં સફળતાના યોગ બને છે, તેની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને તેના માટે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખૂલે છે. તો ચાલો જાણીએ ફેંગશુઈના આ ઉપાયો વિશે.
ઝડપી સફળતા અપાવશે આ વસ્તુઓ !
⦁ ફેંગશુઈમાં દેડકાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ઘર કે ઑફિસમાં ત્રણ પગવાળો દેડકો રાખવો ફળદાયી બની રહે છે. ફેંગશુઈ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ પગવાળો દેડકો કે જેના મુખમાં સિક્કા લાગેલા હોય છે તે આર્થિક ઉન્નતિનું પ્રતિક માનવામાં આવે છે. ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ઘર કે ઑફિસમાં ઉત્તર દિશામાં દેડકો રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓ પૂર્ણ થઇ જાય છે. ધ્યાનમાં રાખવું કે આ દેડકાનું મુખ ઘરની અંદરની બાજુમાં હોવું જોઇએ.
⦁ ફેંગશુઈ શાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને ખુશહાલી અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં સોનેરી રંગના લાફિંગ બુદ્ધાને રાખવાથી જીવનમાં ખુશીઓ આવે છે. ઘર કે ઑફિસમાં લાફિંગ બુદ્ધા રાખવાથી કારકિર્દીમાં સફળતાના યોગ પણ બને છે.
⦁ ફેંગશુઈ અનુસાર ત્રણ ફેંગશુઈ સિક્કાને ઘરના મુખ્યદ્વાર પર બાંધવાથી આર્થિક લાભ થાય છે. જો આપ કારકિર્દીમાં સફળતા મેળવવા ઇચ્છતા હોવ તો ત્રણ ફેંગશુઈ સિક્કાને લાલ દોરીમાં બાંધીને પોતાના ઘર કે દુકાનના મુખ્યદ્વાર પર બાંધી દો. આ ઉપાય કરવાથી આપના કાર્ય ધીરે ધીરે સફળ થવા લાગશે અને આપની આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે.
⦁ ફેંગશુઈ અનુસાર આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા ઘર કે આફિસમાં સાવરણી હંમેશા એવી જગ્યા પર રાખવી કે જેની પર કોઇ પણ વ્યક્તિની નજર ન પડે. ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ક્યારેય સાવરણીને પગ ન લગાવવો જોઇએ. જે ભૂલથી પણ આ કાર્ય કરે છે, તેમને કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)