જીવનમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો જ પડતો હોય છે. કોઈને આર્થિક સમસ્યા સતાવતી હોય, કોઈને માનસિકતો વળી કોઈને શારીરિક. પણ, વાસ્તવમાં આ તમામ સમસ્યાઓ કોઈને કોઈ રીતે કુંડળીના ગ્રહો સાથે જોડાયેલી હોય છે. તમને કદાચ નવાઈ લાગશે પણ એવી કેટલીયે શારીરિક પીડાઓ છે, એવાં રોગ છે કે જે કુંડળીના અશુભ મંગળને લીધે વ્યક્તિને સતાવે છે.
આવો આજે એ જાણીએ કે આ શારીરિક પીડાઓનો મંગળ ગ્રહ સાથે શું સંબંધ છે ? અને તમારા સ્વભાવમાં કેટલાંક પરિવર્તન લાવીને સાથે જ સરળ ઉપાય અજમાવીને તમે કેવી રીતે અશુભ મંગળને શુભદાયી બનાવી શકો છો ? આવો, આજે તે જ વિશે વિગતે માહિતી મેળવીએ.
લાલ કિતાબમાં રહસ્ય !
વૈદિક જ્યોતિષમાં મંગળના શુભ અને અશુભ પ્રભાવ જાતકની કુંડળી કે જન્મપત્રીમાં જોવા મળે છે. જો કે લાલ કિતાબ અનુસાર મંગળના અશુભ હોવાના કેટલાક સંકેતો મળતા જ હોય છે. પછી ભલે મંગળ કુંડળીમાં ગમે તે સ્થિતિમાં બેઠો હોય ! માન્યતા તો એવી છે કે જ્યારે મંગળ પોતાનો અશુભ પ્રભાવ આપવા લાગે ત્યારે તેના પૂર્વ સંકેત મળવા લાગે છે. એ પણ ખાસ કરીને શારીરિક પીડાઓ રૂપે.
મંગળ અશુભ હોવાના સંકેત !
લાલ કિતાબમાં મંગળ અશુભ હોવાના અનેકવિધ સંકેતો દર્શાવવામાં આવ્યા છે. જેમ કે, વારંવાર તાવ આવવો, શરીરમાં કંપારી આવવી, ઉચ્ચ રક્તચાપ (હાઈ બી.પી.), વાત રોગ, ગઠિયો, ગુમડા, સતત વાગવું, પથરી થવી, શારીરિક શક્તિ ઘટવી, એક આંખથી દેખાવાનું બંધ થવું, શરીરના સાંધા કામ ન કરવા, રક્ત સંબંધિત બીમારીઓ જેમ કે રક્તની ઉણપનો સમાવેશ થાય છે. આ સિવાય જો સંતાન પ્રાપ્તિમાં સમસ્યા સર્જાઈ રહી હોય અથવા તો બાળક જન્મીને જો તરત જ મૃત્યુ પામતું હોય તો તે પણ કુંડળીમાં મંગળ અશુભ હોવાના સંકેત આપે છે.
મંગળ કેવી રીતે થાય છે ખરાબ ?
લાલ કિતાબમાં એ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે વ્યક્તિનો મંગળ કેવી રીતે ખરાબ થાય છે. કેટલીક વાતો તો અત્યંત સામાન્ય જણાતી હોય છે. પણ, આ નાની ભૂલોનું વ્યક્તિને ભયંકર પરિણામ ભોગવવું પડતું હોય છે. આવો, તે સંદર્ભે વિગતે જાણીએ.
⦁ ઘરનો પશ્ચિમ ખૂણો જો દૂષિત હોય તો વ્યક્તિનો મંગળ ખરાબ બને છે.
⦁ જો આપ ભૂલથી પણ હનુમાનજીની મજાક કરો છો કે તેમનું અપમાન કરો છો તો તેનાથી આપનો મંગળ ખરાબ થાય છે અને આપે તેનું ભયંકર પરિણામ ભોગવવું પડે છે.
⦁ ભાઇ કે મિત્ર સાથે દુશ્મની રાખવાથી પણ મંગળ અશુભ ફળદાયી બને છે.
⦁ જો તમે હંમેશા ગુસ્સામાં રહો છો તો તે તમારા મંગળને અશુભ બનાવે છે.
⦁ માંસાહારના સેવનથી પણ મંગળ ખરાબ થાય છે.
⦁ વ્યક્તિની કુંડળીમાં ચોથા અને આઠમા ભાવમાં રહેલ મંગળને અશુભ માનવામાં આવે છે.
⦁ સૂર્ય અને શનિ મળીને પણ મંગળને અશુભ બનાવે છે !
⦁ જ્યારે મંગળની સાથે કેતુ હોય છે, ત્યારે પણ મંગળ અશુભ ફળ પ્રદાન કરે છે.
⦁ જ્યારે મંગળ સાથે બુધ ગ્રહ હોય છે, ત્યારે પણ વ્યક્તિને તેનું સારું ફળ મળતું નથી.
⦁ જો આપ ધર્મનું પાલન નથી કરતા તો પણ આપે મંગળના અશુભ ફળ ભોગવવા તૈયાર રહેવું પડે છે.
મંગળને શુભ કરવાના ઉપાયો
મંગળ ગ્રહને શુભ બનાવવા માટે, તેના શુભ ફળની પ્રાપ્તિ અર્થે લાલ કિતાબમાં કેટલાંક અત્યંત સરળ અને ફળદાયી ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે નીચે અનુસાર છે.
⦁ કુંડળીમાં રહેલા મંગળને શુભ કરવા માટે વ્યક્તિએ સવિશેષ હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. નિયમિત રૂપે હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ. તો, બજરંગ બાણનું પઠન કરવું પણ લાભદાયી બની રહે છે. સાથે જ હનુમાન મંદિરમાં ધ્વજ કે સિંદૂરનું દાન કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
⦁ મંગળ ખરાબ હોય તે સંજોગોમાં વ્યક્તિએ આંખોમાં સફેદ રંગનો સૂરમો આંજવો જોઈએ. આ ક્રિયા લાભદાયી બની રહેશે.
⦁ મંગળથી પીડિત વ્યક્તિએ પોતાની જાત પર નિયંત્રણ રાખવું જોઈએ. ગુસ્સા પર કાબૂ રાખવો. ગુસ્સો ન કરવો એ જ તમારા માટે હિતાવહ રહેશે.
⦁ ભાઇ અને મિત્રો સાથે હંમેશા સંબંધ સારા રાખવા જોઈએ. તેમને મીઠાઈ પણ ખવડાવવી જોઈએ.
⦁ મંગળ અશુભ હોય તેવી વ્યક્તિએ ભોજનમાં ગોળનો પ્રયોગ કરવો જોઈએ. એટલે કે, થોડો ગોળ જરૂરથી ખાવો જોઈએ.
⦁ લાલ રંગના વસ્ત્રમાં વરિયાળી બાંધીને તેને શયનખંડમાં રાખવાથી પણ વ્યક્તિને લાભની પ્રાપ્તિ થાય છે.
⦁ વાનરોને ગોળ અને ચણા ખવડાવવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે.
⦁ ગાયની સેવા કરવાથી કુંડળીનો મંગળ શુભ થાય છે. આ માટે ગાયને લીલો ઘાસચારો નીરવો અને જળપાન કરાવીને તેની સેવા કરવી. સાથે જ ગાયને લાલ રંગનું વસ્ત્ર ઓઢાડવું જોઈએ.
⦁ કોઇપણ કાર્યમાં ક્યારેય ઉતાવળ ન કરવી. તે જ રીતે કોઈપણ પ્રકારના વ્યસનથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.
⦁ મંગળથી પીડિત વ્યક્તિએ તાંબા, ઘઉં, ગોળ, લાલ રંગના વસ્ત્ર તેમજ માચીસનું દાન કરવું. આ સાથે જ મસૂરની દાળનું તેમજ તંદૂરવાળી ગળી રોટલીનું દાન પણ લાભદાયી બની રહે છે.
⦁ મંગળને શુભ કરવા માટે વ્યક્તિએ વહેતા પાણીમાં રેવડી અને પતાશા પ્રવાહિત કરવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)