વ્યક્તિની કેટલીક આદતો અથવા તો વસ્તુઓ એવી હોય છે કે જે ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. તેનાથી પરિવારમાં સમસ્યાઓઆવે છે. વાસ્તવમાં દરેક વસ્તુમાં સારી અને ખરાબ ઊર્જાનો વાસ હોય છે. જે વ્યક્તિના ઘર અને મગજ પર પણ અસર કરે છે.
કેટલીક વસ્તુઓ કે આદતોના કારણે ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.
તેને લીધે ઘરમાં પરેશાનીઓ પ્રવેશ કરે છે અને પરિવાર ઉપર પણ જોખમ રહે છે. આવું ન થાય તે માટે જ વાસ્તુ શાસ્ત્રમાં ઘણાં નિયમો જણાવવામાં આવ્યા છે. આ એવાં નિયમો છે કે જેનું પાલન કરીને સમસ્યાઓથી બચી શકાય છે. અને સુખી જીવનનો આનંદ માણી શકાય છે. ત્યારે આવો જાણીએ કે ઘરના સંદર્ભમાં કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
તુલસીનો છોડ
ઘરના મુખ્યદ્વાર પર તુલસીનો છોડ લગાવવો જોઇએ. તુલસીના છોડની પૂજા ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે અને તેના ઔષધીય ગુણોના કારણે પણ તેની પૂજા કરવામાં આવે છે. આ છોડ લગાવવાથી તેની આસપાસ સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. તેને પૂર્વ દિશામાં રાખવો જોઇએ. તેની સાથે આ છોડને ઘરની ઉત્તર કે ઉત્તર-પૂર્વમાં રહેલી બારી પાસે પણ રાખી શકાય છે.
પગરખાનું સ્ટેન્ડ
ઘરના મુખ્યદ્વાર પર ભૂલથી પણ પગરખા રાખવાનું સ્ટેન્ડ ન રાખવું જોઇએ. તે સ્ટેન્ડ રાખવાની આદર્શ જગ્યા પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ દિશા છે. તેને ઉત્તર, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ દિશામાં ક્યારેય ન રાખવું જોઇએ. તે અશુભદાયી મનાય છે.
ઊંઘવાની સ્થિતિ
ઉત્તર દિશામાં મસ્તક રાખીને ક્યારેય ન સૂવું જોઈએ. તેનાથી સારી ઊંઘ નથી મળતી અને આરામ પણ નથી મળતો. ઉત્તર દિશામાં મસ્તક રાખવાથી આપ મસ્તકમાં ભારની લાગણી અનુભવશો. એટલે, હંમેશા સૂતી વખતે ઉત્તર દિશામાં મસ્તક ક્યારેય ન રાખવું જોઇએ.
ઘરના દરવાજા અને બારી
ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં રહેલ દરવાજા અને બારીઓ દક્ષિણ અને પશ્ચિમ દિશાની બારી તેમજ દરવાજા કરતા મોટા હોવા જોઇએ. આપે દક્ષિણ-પશ્ચિમ દિશામાં બારી રાખવાથી સાવધાન રહેવું જોઇએ.
દિવાલ ઘડિયાળ
ઘરમાં દિવાલ પર લટકાવવામાં આવેલી ઘડિયાળ હંમેશા ચાલુ સ્થિતિમાં જ હોવી જોઇએ. આ દિવાલને ઘરની પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરની દિવાલમાં જ લગાવવી જોઇએ.
ફર્નિચર
ઘરમાં દક્ષિણ અને પશ્ચિમની દિવાલો સાથે ભારે ફર્નિચર રાખવું જોઈએ. જ્યારે ઓછા વજનવાળું ફર્નિચર ઘરની ઉત્તર અને પૂર્વની દિવાલ તરફ રાખવું જોઇએ.
નેમ પ્લેટ
ઘરની નેમ પ્લેટ હંમેશા સાફ-સ્વચ્છ હોવી જોઇએ. કારણ કે, ઘરની નેમ પ્લેટ એ તે ઘરમાં રહેતા લોકોની જીવનશૈલીને દર્શાવે છે.
દીવો
ઘરમાં સવાર સાંજ દીવો પ્રજવલિત કરવો જોઇએ. આ કાર્ય કરવાથી દેવી-દેવતાઓની કૃપા ઘર પરિવાર પર સદૈવ અકબંધ રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)