સાસુ-વહુનો સંબંધ ખૂબ જ નાજુક મનાય છે. જો પરિવારમાં સાસુ વહુનો સંબંધ સારો હોય તો ઘરનું વાતાવરણ ખુશહાલ રહે છે. પરંતુ, જો ઘરમાં સાસુ વહુની વચ્ચે ઝઘડા થતા રહેતા હોય તો સમગ્ર ઘરનું વાતાવરણ ખરાબ થઇ જાય છે.
કેટલીક વાર તો વાત એટલી બગડી જાય છે કે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થવા લાગે છે.
અને વાત અલગ થવા પર આવીને અટકી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં વાસ્તુદોષ હોય તો પણ સાસુ વહુ વચ્ચે ઝઘડા થતા જ રહે છે. આ સંજોગોમાં કેટલીક ખાસ બાબતો પર ધ્યાન દેવું. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સાસુ વહુના ઝઘડા ન થાય તે માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવો, તે વિશે વિગતે જાણીએ.
સરળ ઉપાયથી સુધરશે સંબંધ !
⦁ જો ઘરમાં સાસુ વહુ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હોય તો સફેદ ચંદનમાંથી નિર્મિત મૂર્તિને લાવીને તે ઘરમાં મૂકવી. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ મૂર્તિની સ્થાપના એવી જગ્યા પર કરવી કે જેથી ઘરના દરેક સભ્યની નજર તેની પર પડે. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં સાસુ વહુના ઝઘડા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે.
⦁ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું ક્યારેય ઘરના મધ્ય સ્થાન પર ન હોવું જોઇએ. માન્યતા એવી છે કે તેનાથી ન માત્ર સાસુ વહુ વચ્ચે, પણ, ઘરના અન્ય સભ્યો વચ્ચે પણ અવારનવાર ઝઘડા થતા રહે છે. વાસ્તુના નિયમો અનુસાર ઘરનું રસોડું ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં હોવાથી સાસુ વહુ વચ્ચે મનભેદ રહે છે.
⦁ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં બનેલ કેબિનેટ ક્યારેય કાળા રંગના ન બનાવવા જોઇએ. કહે છે કે તેની અસર સાસુ વહુના આરોગ્ય પર પડે છે. મહિલાઓ મોટાભાગનો સમય રસોડામાં જ પસાર કરતી હોવાથી તેમના આરોગ્ય પર તેની અસર પડે છે.
⦁ જો સાસુ વહુની વચ્ચે ઝઘડા થતા હોય તો બંન્નેના રૂમમાં લાલ રંગની ફોટો ફ્રેમ રાખવી. જેમાં તે બન્નેનો સાથે ફોટો હોય. આ ઉપાયથી સાસુ વહુના ઝઘડા ઓછા થાય છે અને સંબંધો મજબૂત બને છે.
⦁ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલ કચરાપેટી ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઇએ અને આ દિશામાં કચરો પણ ન નાંખવો જોઇએ. માન્યાતા તો એવી છે કે આ પ્રકારનું કાર્ય કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મનભેદ રહે છે તેમજ ઘરમાં કલેશની સ્થિતિ સર્જાય છે.
⦁ સાસુ વહુનો સંબંધ મજબૂત બનાવવા માટે ઘરમાં ગુલાબ, ચંપો, ચમેલીના ફૂલો રાખવા જોઇએ. તેની સાથે જ ઘરમાં કેળ અને તુલસીનો છોડ લગાવવાથી પણ સાસુ વહુના સંબંધો મધુર બને છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)