જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવે છે, જેમાં નિર્જળા એકાદશીને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે.
દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે નિર્જળા એકાદશી કરવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવામાં આવતું નથી, જેથી નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે 31 મેના રોજ નિર્જળા એકાદશી છે.
નિર્જળા એકાદશી શુભ મુહૂર્ત
31 મેના રોજ નિર્જળા એકાદશી છે. 30 મેના રોજ બપોરે 01:07 વાગ્યે આ તિથિની શરૂઆત થશે અને 31 મેના રોજ બપોરે 01:45 વાગ્યે પૂર્ણ થશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સર્વાર્થ સિદ્ધિ યોગનો સમય સવારે 05:24 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી રહેશે. 1 જૂનના રોજ એકાદશીના પારણા કરવામાં આવશે, જે સવારે 05:24 વાગ્યાથી સવારે 08:10 વાગ્યા સુધી રહેશે.
નિર્જળા એકાદશીનું મહત્ત્વ
આ દિવસે જળ ગ્રહણ કર્યા વિના ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિધાન છે. આ વ્રત કરવાથી તમામ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે, ભીમે માત્ર આ એક ઉપવાસ કર્યો હતો અને તેઓ મૂર્છિત થઈ ગયા હતા. આ કારણોસર આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
નિર્જળા એકાદશીની પૂજા
નિર્જળા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરો. ત્યાર પછી પીળા વસ્ત્ર ધારણ કરી લો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી અર્પણ કરો. ભગવાન વિષ્ણુ અને માઁ લક્ષ્મીના મંત્રનો જાપ કરો. વ્રતનો સંકલ્પ કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય ના થાય ત્યાં સુધી જળ ગ્રહણ ના કરવું. અન્ન અને ફળાહાર પણ ગ્રહણ કરવાના નહીં રહે. બારસના દિવસે સ્નાન કરીને શ્રીહરિની પૂજા કર્યા પછી અન્ન અને જળ ગ્રહણ કર્યા પછી વ્રતના પારણા કરવા.
નિર્જળા એકાદશી મહાઉપાય
આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને તમામ પાપનો નાશ થાય છે. આ દિવસે એક ચકોર ભોજપત્ર પર કેસરમાં ગુલાબજળ મિશ્ર કરીને ત્રણ વાર ‘ઓમ નમો નારાયણાય’ મંત્ર લખો. આસન ગ્રહણ કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો, ત્યાર પછી આ ભોજપત્ર તમારા પર્સ અથવા પોકેટમાં રાખો. જેથી ધન ધાન્યની સાથે સાથે રોકાયેલું ધન પણ પરત મળશે.
નિર્જળા એકાદશીના દિવસે આ કામ ભૂલથી પણ ના કરવા
- ઘરમાં ભાત ના બનાવવા.
- તુલસીના પાન તોડવા નહીં, જરૂરી હોય તો એક દિવસ પહેલા તોડી લેવા.
- શારીરિક સંબંધ ના બનાવવો.
- લસણ, ડુંગળી, માંસ, મદિરાનું સેવન ના કરવું.
- ઝઘડો ના કરવો અને કોઈનું અહિત ના વિચારવું.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)