વ્યક્તિના હાથમાં રહેલી રેખાઓ અને પ્રતિકો તેના વર્તમાન અને ભવિષ્ય વિશે સંપૂર્ણ જાણકારી આપે છે. આ રેખાઓ અને નિશાન ધન, ભાગ્ય, આયુષ્ય, કારકિર્દી, જીવનયાત્રા વગેરે બાબતો વિશે જાણકારી આપે છે. ત્યારે આજે એ જાણીએ કે મણિબંધ પર બનતા કેટલાંક નિશાન કેટલા લાભદાયી બની શકે છે !
મણિબંધ રેખા
હથેળી અને હાથને જોડતા ભાગને કાંડું કહેવામાં આવે છે. અને આ કાંડા પર રહેલી રેખાઓને હસ્તરેખા શાસ્ત્રમાં મણિબંધના નામે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને બ્રેસલેટ લાઇન્સ કહે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથમાં રહેલ રેખાઓ અને પ્રતિકો વ્યક્તિના ભવિષ્ય અને વર્તમાન વિશે સંપૂર્ણ માહિતી આપે છે. તેને જોઇને તમે આવનાર સુખ, સમૃદ્ધિ તેમજ સમસ્યા વિશે માહિતગાર થઇ શકો છો. મણિબંધ પર બનનાર કેટલાંક શુભ નિશાન આપને ઉંચાઇ પર લઇ જાય છે અને જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખોલે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આપની મણિબંધ રેખા પર જો એક ખાસ નિશાન જોવા મળે, તો તમને વારસામાં ખૂબ જ ધન સંપત્તિની પ્રાપ્તિ પણ થઈ શકે છે. ત્યારે ચાલો, આજે મણિબંધ પર બનતા નિશાનો વિશે જાણીએ.
સુંદર રેખામાં ક્રોસનું નિશાન !
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો મણિબંધ પર રહેલી રેખા ખૂબ જ સુંદર હોય, પરંતુ, તેની વચ્ચે ક્રોસનું નિશાન હોય તો વ્યક્તિને જીવનના પહેલા ભાગમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ, જીવનના મધ્ય ભાગમાં તેમજ પાછલા ચરણમાં તેમનું જીવન ખૂબ સુખ શાંતિમાં પસાર થાય છે. સાથે જ તેમને કેટલાય પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે.
આ નિશાન કરાવશે ધનલાભ !
જો મણિબંધથી કોઇ રેખા નીકળે અને તે સીધી જઇને ગુરુ પર્વત સુધી પહોંચે, સાથે જ મણિબંધની પહેલી રેખા પર ક્રોસ કે કોણનું નિશાન હોય તો તેવી વ્યક્તિને કોઇપણ યાત્રાથી ધનલાભની પ્રાપ્તિ થાય છે. તેમજ જીવનમાં ક્યારેય કોઇ વસ્તુનો અભાવ નથી રહેતો. સાથે જ પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહે છે.
મણિબંધ રેખા વચ્ચે કોણનું નિશાન
જો મણિબંધની પહેલા રેખાની વચ્ચે કોણનું નિશાન હોય તો વ્યક્તિને વર્તમાન સમયમાં ખૂબ જ મહેનત કરવી પડશે. પરંતુ, 40 વર્ષ પછી તેનો ભાગ્યોદય થશે. જેના કારણે તેને વારસો મળી શકે છે. એ મણિબંધ રેખા નીલારંગની હોય તો વ્યક્તિ રોગી અને પીળા રંગની મણિબંધ હોય તો વ્યક્તિ વિશ્વાસઘાતી માનવામાં આવે છે !
મણિબંધ રેખા વચ્ચે ત્રિકોણનું નિશાન
મણિબંધની પહેલી રેખા વચ્ચે જો ત્રિકોણનું ચિન્હ હોય અને ત્રિકોણની અંદર ક્રોસ હોય તો વ્યક્તિ ઉત્તરાધિકાર દ્વારા ધનની પ્રાપ્તિ કરે છે. તેને જીવનમાં ક્યારેય કોઇપણ વસ્તુની અછત નથી રહેતી. તે વિદેશની યાત્રા પણ કરે છે. એ જ મણિબંધની રેખા હથેળીમાં આવી જતી હોય તો વ્યક્તિ ખૂબ જ મોટા પદની પ્રાપ્તિ કરે છે અને સન્માનની પ્રાપ્તિ પણ કરે છે.
મણિબંધ રેખા વચ્ચે તારાનું ચિન્હ
જો હાથમાં દરેક રેખાઓ યોગ્ય સ્થાન પર હોય અને મણિબંધની પહેલી રેખા વચ્ચે તારાનું ચિન્હ હોય તો તે ખૂબ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. એવા વ્યક્તિને વારસામાં ઘણું ધન પ્રાપ્ત થાય છે અને દરેક કાર્ય સરળતાથી થવા લાગે છે. અલબત્, આ જ નિશાન જ્યારે વ્યક્તિની હથેળીમાં હોય ત્યારે તેનાથી અસંયમ અને દુરાચાર પ્રકટ થાય છે અને તેવી વ્યક્તિ વ્યભિચારી પ્રવૃત્તિ સાથે સંકળાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)