આપણે ઘરને સુંદર ચિત્રો અને પ્રતિકૃતિઓથી સજાવતા હોઈએ છીએ. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. તે અંતર્ગત જ આપણે ઘરમાં દેવી-દેવતાઓની તસવીરો પણ લગાવીએ છીએ. પણ, ઘરમાં હનુમાનજીની તસવીર લગાવતા પૂર્વે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની જાય છે.
નહીંતર, તે લાભના બદલે નુકસાન પણ કરાવી શકે છે !
વાસ્તુશાસ્ત્રમાં ઘરની સજાવટ સંબંધિત કેટલાંક નિયમો જણાવવામાં આવ્યા છે. જ્યારે આપણે આ નિયમો અનુસાર ઘર સજાવીએ છીએ ત્યારે તે ચોક્કસપણે લાભની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ, જો ઘરમાં કોઈ તસવીર, પ્રતિમા કે પછી કોઈ પ્રતિકૃતિ ખોટી દિશામાં મૂકાઈ જાય અથવા તો તે વાસ્તુને અનુરૂપ ન હોય તો તે વ્યક્તિની પ્રગતિમાં અવરોધક સાબિત થઈ શકે છે.
એ જ રીતે ઘરમાં સ્થાપિત દેવી-દેવતાની પ્રતિમા ચમત્કારિક લાભ જરૂર આપે છે. પરંતુ, તે માટે તેનું યોગ્ય દિશામાં હોવું એટલું જ જરૂરી બની જાય છે. ત્યારે આવો, આજે આપણે એ જાણીએ કે જો આપ ઘરમાં રામ ભક્ત હનુમાનજીની તસવીર લગાવવા ઇચ્છતા હોવ તો કયા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી બની જાય છે.
હનુમાન પ્રતિમાને ઘરમાં લગાવવાના નિયમ !
⦁ શાસ્ત્રો અનુસાર હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. આ કારણે જ તેમનું ચિત્ર ક્યારેય પણ શયનકક્ષમાં ન રાખવું જોઇએ. હનુમાનજીની તસવીરને ઘરના મંદિરમાં અથવા પવિત્ર સ્થાન પર રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
⦁ વાસ્તુશાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર હનુમાનજી દક્ષિણ દિશા તરફ જોતા હોય તે રીતે તેમનું ચિત્ર કે મૂર્તિ લગાવવી જોઇએ. એટલે કે ઉત્તર દિશામાં તેમની તસવીર લગાવવી જોઈએ. જેથી તેમની નજર દક્ષિણ દિશા તરફ રહે. કારણ કે, હનુમાનજીએ આ દિશામાં જ તેમનો વધુમાં વધુ પ્રભાવ દેખાડ્યો છે. જેમ કે, લંકા દક્ષિણમાં હતી. માતા સીતાની શોધ પણ દક્ષિણ દિશાથી જ આરંભવામાં આવી હતી. લંકા દહન અને રામ રાવણનું યુદ્ધ પણ આ દિશામાં જ થયું હતું. દક્ષિણ દિશામાં હનુમાનજી વિશેષ બળશાળી બને છે !
⦁ ઉત્તર દિશામાં હનુમાનજીનું ચિત્ર કે છબી લગાવવાથી દક્ષિણ દિશામાંથી આવતી દરેક નકારાત્મક શક્તિઓને હનુમાનજી રોકી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. અને દક્ષિણ દિશામાંથી આવનાર દરેક નકારાત્મક શક્તિને હનુમાનજી પોતાનામાં સમાવી લે છે.
⦁ હનુમાનજીની એવી જ તસવીરો ઘરમાં લગાવવી જોઈએ કે જે રૂપમાં તેઓ તેમની શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા હોય. જેમ કે તેમના હાથમાં સંજીવની હોય ! કહે છે કે આવા ચિત્ર કે છબીને ઘરમાં લગાવવાથી દરેક પ્રકારની ખરાબ શક્તિને ઘરમાં પ્રવેશતી રોકી શકાય છે !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)