ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ વદ અમાસની તિથિ એ ન્યાયના દેવતા શનિદેવનો જન્મ દિવસ મનાય છે. આ વખતે 19 મે, 2023, શુક્રવારના દિવસે સમગ્ર ભારતમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે આ વખતે શનિ જયંતી પર 3 દુર્લભ યોગ સર્જાવા જઈ રહ્યા છે.
શનિદેવને પ્રસન્ન કરવા માટે વૈશાખ વદ અમાસનો દિવસ સર્વોત્તમ મનાય છે. પ્રચલિત માન્યતા અનુસાર આ તિથિ પર જ શનિદેવનું પ્રાગટ્ય થયું હતું. અને એટલે જ આ દિવસે તે સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. એટલે જેમને શનિની સાડાસાતી, અઢી વર્ષની પનોતી કે પછી મહાદશાની પીડા સતાવી રહી હોય, તેવા લોકોએ વિધિવત ન્યાય પ્રિય દેવતા શનિદેવની પૂજા કરવી જોઇએ. કહે છે કે તેનાથી આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ પૂર્ણ થાય છે. ખાસ વાત તો એ છે કે આ વર્ષે શનિ જયંતી પર 3 દુર્લભ શુભ યોગ સર્જાવા જઇ રહ્યા છે. આ યોગ અને શનિદેવની કૃપાથી કેટલીક રાશિઓને આ શનિ જંયતી સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવશે.
શુભ સંયોગ સાથે શનિ જયંતી !
19 મે, શુક્રવારના રોજની શનિ જયંતી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે, આ દિવસે 3 અતિ દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યા છે. આ 3 શુભ સંયોગ એટલે ગજકેસરી યોગ, શોભન યોગ અને શશ રાજયોગ. માન્યતા અનુસાર આ ખાસ યોગમાં શનિદેવની ઉપાસના કરવાથી કેટલીક રાશિઓને પ્રબળ લાભની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ રાશિઓ નીચે અનુસાર છે.
તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને શુક્ર બંને મિત્ર ગ્રહો છે. શનિને વાયુ તત્વ પ્રધાન ગ્રહ માનવામાં આવે છે. એ જ રીતે તુલા રાશિ પણ વાયુ પ્રધાન રાશિ છે. સાથે જ તુલા એ શનિની ઉચ્ચ રાશિ છે. શનિદેવ તુલા રાશિ પર સદાય મહેરબાન રહે છે. એવામાં જો તુલા રાશિના જાતકોએ આ ખાસ યોગમાં શનિદેવની પૂજા કરી હશે, તો આપને સફળતા, સમૃદ્ધિ, ધન, અને શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થશે. આપ નોકરી અને ધંધામાં સફળતાના શિખરો સર કરી શકશો. ધર્મ-કર્મના કાર્યમાં આપનો રસ વધશે. જે આપને ભૌતિક સુખ પ્રદાન કરશે.
મેષ રાશિ
મેષ રાશિમાં ગુરુ ગ્રહ ચંદ્રમાની સાથે હોવાથી શનિ જયંતી પહેલાં જ ગજકેસરી યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. એવામાં મેષ રાશિના જાતકોને શનિ જયંતીના દિવસે ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. જે ક્ષેત્રમાં કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત કરશો. ઘરમાં સુખનું આગમન થશે અને પરિવારમાં શાંતિની સ્થાપના થશે. દેવામાંથી મુક્તિ મળશે તેમજ આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે !
મિથુન રાશિ
શનિ જયંતીના દિવસે ગજકેસરી યોગના પ્રભાવથી મિથુન રાશિના જાતકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. લોકો આપની કાર્યશૈલીથી ખુશ થશે. આપના લાંબા સમયથી અટકેલાં કાર્યો શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થવાના સુખદ સમાચાર મળશે. તેમજ નવીન નોકરીની શોધ પણ પૂર્ણ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)