આવતીકાલે તારીખ 19 મેના રોજ શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રતનો શુભ સંયોગ છે. કહે છે કે આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ તેના જીવનમાં સકારાત્મક પરિણામની પ્રાપ્તિ કરી શકે છે. તે જીવનમાં ધન, સુખ અને પ્રગતિના આશિષ પણ મેળવી શકે છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કયા ખાસ ઉપાયો અજમાવીને તમે તમારી 7 પેઢીને ઉદ્ધારી શકો છો !
દેવી લક્ષ્મીની કૃપા અર્થે
વૈશાખ માસ ખૂબ જ પુણ્યકારી માસ ગણાય છે અને વૈશાખી અમાસ એટલી જ ફળદાયી. વૈશાખ વદ અમાસની સાંજે ઘરના ઇશાન ખૂણામાં ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઈએ. માન્યતા એવી છે કે તેનાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. જેના પ્રભાવે વ્યક્તિને આર્થિક તંગીથી છુટકારો મળે છે. તેમજ પરિવારમાં ખુશીઓનું આગમન થાય છે.
7 પેઢીનો ઉદ્ધાર !
વૈશાખ વદ અમાસની તિથિએ જળમાં કાળા તલ, ગંગાજળ, ખાંડ અને સફેદ પુષ્પ ઉમેરીને પિતૃઓ માટે તર્પણ કરવું જોઇએ. આ દરમ્યાન “ૐ પિતૃભ્યઃ નમઃ” મંત્રનો જાપ કરવો જોઇએ. માન્યતા અનુસાર તેનાથી વ્યક્તિની સાત પેઢીનો ઉદ્ધાર થાય છે. તેમજ કુટુંબના દરેક સભ્યના પાપનો નાશ થાય છે.
અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ
ઉત્તર ભારતમાં અમાસ પક્ષમાં વટ સાવિત્રી વ્રત કરવાનો મહિમા છે. જે અંતર્ગત શનિ જયંતીના અવસરે જ આ વ્રત આવે છે. શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રતનો આ સંયોગ વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. અખંડ સૌભાગ્ય અર્થે આ દિવસે વડના વૃક્ષમાં કાચા દૂધનું તેમજ ગંગાજળનું સિંચન કરવું જોઈએ. વૃક્ષની નીચે જ 11 સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્ય સામગ્રીનું દાન કરવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી ત્રિદેવ અને યમરાજ બન્ને પ્રસન્ન રહે છે. તેમજ પતિના આયુષ્યને કોઈપણ પ્રકારનું સંકટ નથી નડતું.
ક્રૂર ગ્રહોના દુષ્પ્રભાવથી મુક્તિ !
શનિ જયંતીના અવસરે સાંજે કાળા રંગના શ્વાનને તેલવાળી રોટલી ખવડાવવાથી શનિ અને કેતુ જેવા ક્રૂર ગ્રહોનો દુષ્પ્રભાવ કે અશુભ પ્રભાવ ઓછો થાય છે. વ્યક્તિને શનિદેવના આશીર્વાદ મળે છે. વાસ્તવમાં શનિ જયંતી પર કાળા રંગના શ્વાનની સેવા કરવી ખૂબ શુભ ફળ પ્રદાન કરનારી બની રહે છે.
દાનથી ફળપ્રાપ્તિ
વૈશાખી અમાસના દિવસે કાળા રંગના વસ્ત્ર, સરસવનું તેલ, લોખંડ તેમજ અડદની દાળનું દાન કરવું જોઇએ. સાથે જ ગરીબોને કે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને કહે છે કે આવા દરેક ઉપાય કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે. આ કાર્યના પ્રતાપે જાતકોને જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકડામણનો અનુભવ નથી કરવો પડતો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)