શનિ જયંતીના અવસરે શ્રદ્ધાળુઓ પૂજા પાઠ કે મંત્રજાપ દ્વારા શનિદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમની કૃપા પ્રાપ્ત કરીને શનિ પ્રકોપથી શાંતિ મેળવવા ઇચ્છતા હોય છે. પણ, ઘણીવાર અજાણતા થયેલી ભૂલો વ્યક્તિને લાભના બદલે મહા નુકસાન પણ કરાવી દેતી હોય છે !
આવો, આજે તે જ વિશે જાણીએ.
આવતીકાલે સમગ્ર ભારતમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિદેવ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. એટલે કે, વ્યક્તિના કર્મ અનુસાર જ શનિદેવ તેને સુખ કે દુઃખ પ્રદાન કરે છે. આ સંજોગોમાં આપ શનિદેવને પ્રસન્ન કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ભલે કરો. પરંતુ, કેટલાંક એવાં કાર્ય કે કર્મ છે કે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. જો તમે આવાં કર્મ કરો છો, તો તમે શનિકૃપાને બદલે તેમના રોષનો ભોગ પણ બની શકો છો ! એટલે, આ દિવસે નીચે જણાવેલી બાબતોનું વ્યક્તિએ જરૂરથી ધ્યાન રાખવું જોઈએ.
શું રાખશો વિશેષ ધ્યાન ?
⦁ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શનિ જયંતીના દિવસે શનિદેવનો પ્રભાવ ખૂબ જ વધી જાય છે. એવામાં જાતકે કોઇપણ એવું કાર્ય ન કરવું જોઇએ કે જેનાથી શનિદેવ તેના પર કોપાયમાન થાય.
⦁ શનિ જયંતીના દિવસે લોખંડનો સામાન ન ખરીદવો જોઇએ. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
⦁ આ દિવસે વ્યક્તિએ તામસિક ભોજનનું સેવન ભૂલથી પણ ન કરવું જોઇએ. માન્યતા અનુસાર આવું કરવાથી વ્યક્તિને શનિદેવના કોપનો ભોગ બનવું પડે છે !
⦁ શનિ જયંતીના દિવસે વ્યક્તિએ કોઇપણ પ્રકારના વાદ-વિવાદ અને જૂઠાણાથી બચવું જોઇએ. જો તમે આ દિવસે કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ કરો છો, તો તેનાથી શનિદેવ નારાજ થાય છે. એટલે આ દિવસે આપનું મન સાફ રાખવું. તેમજ નકારાત્મક વિચારો ઉત્પન્ન ન થવા દેવા જોઈએ. માન્યતા અનુસાર આ રીતે વર્તન કરવાથી વ્યક્તિ પર શનિદેવની વિશેષ કૃપા વરસે છે.
⦁ શનિ જયંતી પર શનિદેવના દર્શન કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ જાતકોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શનિદેની પૂજા કરતી વખતે તેમની પ્રતિમાની આંખમાં ન જોવું જોઈએ. ભક્તોએ શનિદેવના ચરણો તરફ દૃષ્ટિ રાખવી જોઈએ. એક માન્યતા અનુસાર શનિદેવની આંખમાં જોઇને પૂજા કરવાથી તેમની કુદૃષ્ટિ જાતક પર પડે છે અને દોષ ઉત્પન્ન થાય છે ! એટલે જ તેનાથી બચવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)