જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં કેટલાય છોડ અને વૃક્ષ વિશે જણાવવામાં આવ્યું છે કે જેને ઘરમાં લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમ કે તુલસીનો છોડ, શમીનો છોડ, સ્પાઇડર પ્લાન્ટ, ક્રેસુલા, મનીપ્લાન્ટ તેમજ અપરાજિતાનો છોડ. માન્યતા અનુસાર આ છોડ ઘરમાં લગાવવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઇ પણ વસ્તુની અછત નથી વર્તાતી.
જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક છોડ અને વૃક્ષને ખૂબ જ ચમત્કારીક માનવામાં આવે છે. આ છોડ ઘરમાં લગાવવાથી કેટલાય પ્રકારની સમસ્યાઓમાંથી વ્યક્તિને મુક્તિ મળી જાય છે. આ વૃક્ષ અને છોડ ન માત્ર ઘરના વાતાવરણને શુદ્ધ રાખે છે, પરંતુ, તે ધન, ઐશ્વર્ય અને સન્માનમાં પણ વૃદ્ધિ કરાવે છે એટલે જ આ છોડ કે વૃક્ષને ચમત્કારિક માનવામાં આવે છે. ત્યારે આજે કેટલાંક આવાં જ છોડ વિશે વાત કરવી છે. માન્યતા અનુસાર જે ઘરમાં આ છોડ હોય છે, તે ઘરની પ્રગતિને કોઇ અટકાવી શકતું નથી. ઘરના દરેક સભ્યના જીવનમાં શુભતા અને સકારાત્મકતાનું આગમન થાય છે. તે ધન, સુખ અને સમૃદ્ધિને આકર્ષે છે. આ છોડ નીચે અનુસાર છે.
1 તુલસીનો છોડ
હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. આ છોડને ઘરની ઉત્તર દિશા, ઉત્તર-પૂર્વ દિશા કે પછી પૂર્વ દિશામાં લગાવવું શુભ મનાય છે. તેની નિત્ય પૂજા કરવાનું વિધાન છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. તેમજ કેટલાય પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. તુલસીનો સંબંધ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે. કહે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. અને એટલે જ તેને શ્રીતુલસી કહેવામાં આવે છે.
2 શમીનો છોડ
શમીનો છોડ ઘરની દક્ષિણ દિશામાં લગાવવો જોઇએ. આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ છોડ લગાવવાથી શનિના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને ઘરની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. શમીનો છોડ લગાવવાથી ભગવાન શિવના પણ આશીર્વાદ મળે છે. ઘરમાં આ છોડ લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે અને દરેક સભ્યની પ્રગતિ થાય છે. તેમજ વ્યક્તિ નોકરી કે વ્યવસાયમાં પણ પ્રગતિ કરે છે.
3 સ્પાઇડર પ્લાન્ટ
સ્પાઇડર પ્લાન્ટ ઘરમાં લગાવવાથી અનેક પ્રકારના લાભ થાય છે. તેને ઘરની ઉત્તર દિશા, ઉત્તર-પૂર્વ દિશા કે ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં લગાવવાથી ઘરની હવા સ્વચ્છ રહે છે અને વ્યક્તિને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર આ છોડ અનેક પ્રકારની બીમારીઓનો અંત કરી દે છે અને જીવનમાં નવીન સકારાત્મક ઊર્જા લાવે છે. જો તમારા કાર્યક્ષેત્રમાં કોઇ સમસ્યા ચાલી રહી હોય તો સ્પાઇડર પ્લાન્ટને કાર્યસ્થળે તમારી પાસે રાખવો જોઈએ. તેનાથી જીવનમાં નવી દિશા મળે છે !
4 ક્રેસુલા
ક્રેસુલાનો છોડ ખૂબ શુભ માનવામાં આવે છે. તે ઘરના વાસ્તુદોષને પણ દૂર કરે છે. આ છોડ ઘરના મુખ્યદ્વારની જમણી દિશામાં રાખવામાં આવે છે. માન્યતા અનુસાર આ છોડના આગમનથી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે અને ધનના આગમનના નવા સ્ત્રોત ખુલવાની શરૂઆત થઇ જાય છે. આ છોડને ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઇ રહે છે અને સંબંધોમાં મજબૂતી આવે છે. સાથે જ તે આપની પ્રગતિ આડે આવી રહેલા અવરોધોને પણ દૂર કરી દે છે.
5 મની પ્લાન્ટ
મની પ્લાન્ટને ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે. તેના નામ પરથી જ આપ અનુમાન લગાવી શકો છો કે આ છોડ ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. જેમ જેમ આ છોડ વધે છે, તેમ તેમ આપના ધન અને સન્માનમાં વૃદ્ધિ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આ છોડનો સંબંધ ભૌતિક સુખ-સુવિધાઓના સ્વામી શુક્ર ગ્રહ સાથે માનવામાં આવ્યો છે. એટલે મની પ્લાન્ટ ઘરના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે અને જીવનમાં નવીન ઊર્જાનો સંચાર કરે છે.
6 અપરાજીતા
અપરાજીતાનો છોડ તુલસીના છોડ સમાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડની વેલનો લાભ લેવા માટે તેને ઘરની પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઇએ. કહે છે કે ઘરમાં આ છોડ લગાવવાથી માતા લક્ષ્મી સ્વયં આપના ઘરમાં બિરાજમાન રહે છે અને નોકરી તેમજ વેપારમાં પ્રગતિ થાય છે. આ છોડ ભગવાન વિષ્ણુ અને મહાદેવને ખૂબ જ પ્રિય છે. આ છોડથી ધન-ધાન્યની અછત દૂર થાય છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)