આજે શનિ જયંતીનો શુભ અવસર છે. સમગ્ર ભારતના વિવિધ શનિ મંદિરોમાં આજે દર્શનાર્થીઓની ભીડ ઉમટશે. આમ તો શનિદેવના મંદિર વિશે વાત કરતાં આપણને સર્વ પ્રથમ શનિ શિંગણાપુર ધામનું જ સ્મરણ થઈ આવે. પરંતુ, અમારે આજે એક એવાં મંદિર વિશે વાત કરવી છે કે જે શિંગણાપુરના શનિધામ કરતાં પણ પ્રાચીન છે.
અને આ મંદિર એટલે ઉત્તર પ્રદેશનું કોકિલાવન.
કોલિકાવન શનિધામ મહિમા
ઉત્તર પ્રદેશના મથુરામાં કોકિલાવન ધામ આવેલું છે. કૃષ્ણ નગરી મથુરાના કોસીકલાથી લગભગ 9 કિ.મી.ના અંતરે કોકિલાવન સ્થિત છે. જ્યારે પ્રસિદ્ધ નંદગાંવથી કોકિલાવનનું અંતર 6 કિ.મી. છે. માન્યતા અનુસાર ભારતના શનિ મંદિરોમાં આ સ્થાનક દ્વિતીય સ્થાન ધરાવે છે. અને શનિ શિંગણાપુર ધામ બાદ કોકિલાવન ધામનો જ મહિમા છે. આ સ્થાનકે પહોંચતાની સાથે દૂરથી જ શ્રદ્ધાળુઓેને શનૈશ્વરની અત્યંત ભવ્ય પ્રતિમાના દર્શન થાય છે.
પ્રવેશદ્વારની સમીપે જ પ્રસ્થાપિત સૂર્યપુત્રનું ભવ્ય ચતુર્ભુજ રૂપ અત્યંત ભાવવાહી ભાસે છે. જેને નિહાળતા જ મંદિરમાં પ્રવેશવાની ભક્તોની આતુરતા અનેકગણી વધી જાય છે. અલબત્ મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ્યા બાદ મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ લગભગ 3 કિ.મી. જેટલું અંતર કાપવાનું રહે છે. કેટલાંક ભક્તો વાહન માર્ગે તો કેટલાંક પગપાળા જ આ અંતર કાપીને શનિદેવના મંદિરે પહોંચે છે.
શનિદેવનું દિવ્ય સ્વરૂપ
અહીં મુખ્ય મંદિરમાં શનિદેવનું અત્યંત દિવ્ય રૂપ પ્રસ્થાપિત થયું છે. સામાન્ય રીતે મંદિરોમાં શનિદેવની મૂર્તિના અથવા તો તેમના શિલા સ્વરૂપના ભક્તોને દર્શન થતાં હોય છે. પરંતુ, કોકિલાવનમાં તો શનિદેવ મૂર્તિ અને શિલાના એકાકાર સ્વરૂપે વિદ્યમાન થયા છે. એટલું જ નહીં, શિલાની ચારેય બાજુ તેમની એકરૂપ પ્રતિમા કંડારાયેલી છે. આ સ્થાનકની વિશેષતા જ એ છે કે ભક્તો અહીં સ્વહસ્તે શનિદેવની પૂજા કરી શકે છે. તેમને તેલ અર્પણ કરી શકે છે. અને આ જ વાત શ્રદ્ધાળુઓને પરમશાંતિનો અહેસાસ કરાવે છે.
કોકિલાવનમાં કેવી રીતે પધાર્યા શનિદેવ ?
પ્રચલિત કથા અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે તમામ દેવી-દેવતાઓ તેમના દર્શનાર્થે નંદગાંવ પધાર્યા. દંડનાયક એવાં શનિદેવને પણ શ્રીહરિના બાળરૂપના દર્શનની ઝંખના થઈ. શનિદેવ પણ બાળકૃષ્ણના દર્શન માટે નંદગાંવ આવ્યા. પણ, ત્યારે તેમનું શ્યામ અને ભયંકર રૂપ જોઈ મા યશોદા ગભરાઈ ગયા. અને તેમણે શનિદેવને બાળકૃષ્ણના દર્શન જ ન કરાવ્યા. અત્યંત દુઃખી થયેલાં શનિદેવ નંદગાંવની સમીપે આવેલાં એક ગાઢ વનમાં આવ્યા. અને શ્રીકૃષ્ણના દર્શનની મનશા સાથે તપસ્યામાં લાગી ગયા. અને આખરે, તેમના તપથી પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણએ તેમને કોયલના રૂપમાં દર્શન દીધાં.
શ્રીકૃષ્ણએ આ ધરા પર શનિદેવને કોયલના રૂપે દર્શન દીધાં હોઈ આ સ્થાન કોકિલાવનના નામે ખ્યાત થયું. શ્રીકૃષ્ણના દર્શન કરી શનિદેવ અત્યંત પ્રસન્ન થયા. ત્યારે શ્રીકૃષ્ણએ તેમને કહ્યું કે, “હે શનિદેવ ! હું તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થયો છું. હવે આપ અહીં જ નિવાસ કરી આ ભૂમિનું માહાત્મ્ય વધારો. જેમ મેં અહીં તમારી અભિલાષાને પૂર્ણ કરી છે, તે જ રીતે તમે તમારા ભક્તોના મનોરથોને અહીં પૂર્ણ કરજો.”
લોકવાયકા અનુસાર શ્રીકૃષ્ણની ઈચ્છાને વશ થઈ શનિદેવ અહીં વિદ્યમાન થયા છે. અને આસ્થા સાથે અહીં દર્શનાર્થે આવનાર ભક્તોના કષ્ટને નષ્ટ કરી રહ્યા છે. કોકિલાવન તો એ ભૂમિ છે કે જ્યાં સ્વયં શનિદેવની ઈચ્છા પૂર્ણ થઈ છે. એટલે, અહીં શનિદેવ અત્યંત પ્રસન્નચિત્ત સ્વરૂપે વિદ્યમાન છે. અને એટલે જ માન્યતા એવી છે કે આ પ્રસન્નચિત્ત શનિદેવ ભક્તોને પણ પ્રસન્નતાની પ્રાપ્તિ કરાવે છે. અહીં દર્શન માત્રથી ભક્તોની પીડાનું શમન કરી શનિદેવ તેમને સુખી જીવનના આશીર્વાદ પ્રદાન કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)