શનિ દેવ સૂર્ય દેવના પુત્ર છે. તેમને કર્મના દેવતા માનવામાં આવે છે. તેઓ જાતકોને કર્મ મુજબ ફળ આપે છે. તેઓ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. આગામી તા.19મીએ શનિ જયંતિ છે. ત્યારે શનિદેવની કૃપા દૃષ્ટિ મેળવવા માટે વ્રત અને પૂજા કઈ રીતે કરવી તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
શનિ જયંતિએ શુભ યોગ
ચાલુ વર્ષે શનિ જયંતિના દિવસે શોભન યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ 18 મેના રોજ સાંજે 7:37થી 19 મેના રોજ સાંજે 6:17 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત આ દિવસે ચંદ્ર અને ગુરુ એકસાથે મેષ રાશિમાં આવશે. જેના કારણે ગજકેસરી યોગ બનશે. બીજી તરફ શનિ દેવ કુંભ રાશિમાં શશયોગ બનાવશે. આ બધા કારણે આ વખતે શનિ જયંતિ વધુ ખાસ બની જશે.
કઈ રીતે કરવી પૂજા?
શનિ દેવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરવું. ત્યારબાદ શનિ દેવની મૂર્તિ પર તેલ ચઢાવો. તેમને ફૂલની માળા અને પ્રસાદ અર્પણ કરો. તેમના ચરણોમાં કાળા અડદ અને તલ અર્પણ કરો.
હવે તેલનો દીવો પ્રગટાવો. શનિ ચાલીસાના પાઠ કરો. આ દિવસે દાન કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. આ દિવસે દાન કરવાથી જાતકોના જીવનના તમામ સંકટો દૂર થાય છે.
અહીં ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે શનિદેવ બાબતે લોકોમાં ભય જોવા મળે છે. શનિદેવ લોકોને ખરાબ ફળ આપતા હોવાની માન્યતા છે. પરંતુ આ સત્ય નથી. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર ફળ નક્કી કરે છે. જેથી શનિની સાડાસાતી અને ઢૈયા તેને માનવ કર્મોના આધારે જ ફળ આપે છે.
શનિ દેવને કઈ રીતે પ્રસન્ન કરવા?
શનિ દેવના મંત્રોનો જાપ કરી તેમને પ્રસન્ન કરી શકાય છે. તેઓ પ્રસન્ન થાય તો સંકટ દૂર થઈ જાય છે. શનિ જયંતિની સાંજે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો. ત્યારબાદ ऊं शं अभयहस्ताय नमः મંત્રનો જાપ કરો. તેમજ ऊं शं शनैश्चराय नमः ની 11 માળા કરો. આ ઉપરાંત તમે ऊं नीलांजनसमाभामसं रविपुत्रं यमाग्रजं छायामार्त्तण्डसंभूतं तं नमामि शनैश्चरम મંત્રનો જાપ પણ કરી શકો છો. આ મંત્રો થકી શનિદેવ પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)