fbpx
Friday, November 1, 2024

આ વાસ્તુ ઉપાય પરિવારના સભ્યોને રાખશે સ્વસ્થ! ઘરના મુખ્ય પ્રવેશદ્વારને લગતા આ નિયમને ક્યારેય ભૂલશો નહીં

ભાગદોડ ભરેલી અત્યારની જીંદગીમાં લોકો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જ ભૂલી જાય છે. જેના લીધે તેઓ અનેક પ્રકારની બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. પણ, ઘણીવાર આ બીમારી ઘરના વાસ્તુદોષને કારણે પણ હોઈ શકે છે ! ત્યારે આવો જાણીએ કે કયા વાસ્તુ ઉપાયો અજમાવીને આપ નિરોગી કાયાની પ્રાપ્તિ કરી શકો છો.

આપણાં શાસ્ત્રોમાં સ્વાસ્થ્યને જ સૌથી સારું અને સૌથી મોટું ધન માનવામાં આવે છે. જો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો તમે દરેક વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો. આપને કંઈક નવું કરવાની ઇચ્છા હશે, પરંતુ, જો તમારું સ્વાસ્થ્ય તમને સાથ નહીં આપે તો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ક્યારેક ક્યારેક ઘરનો વાસ્તુદોષ પણ તેના માટે કારણભૂત હોય છે. ઘરનું કોઇ એક સભ્ય બીમાર રહેતું હોય કે પરિવારમાં હંમેશા લડાઇ ઝઘડા થતા રહેતા હોય તો આ વાસ્તુદોષની નિશાની છે ! વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવાં ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને અજમાવવાથી આપના ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવારમાં ખુશહાલ વાતાવરણ પણ રહેશે. તો ચાલો, તે વાસ્તુ ઉપાયો વિશે જાણીએ.

મુખ્યદ્વારનું સવિશેષ મહત્વ

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપના ઘરનો મુખ્યદ્વાર તૂટેલો ફૂટેલો હોય અથવા કોઈપણ પ્રકારની ખામી વાળો હોય તો તેને ઝડપથી રીપેર કરાવી દેવો જોઈએ. અથવા તો તેને બદલી દેવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના મુખ્યદ્વારમાં કોઈ નુકસાની હોય તો તે ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર પડે છે. તેમજ ઘરમાં સતત લડાઈ ઝઘડા થાય છે. યાદ રાખો, ઘરના મુખ્યદ્વારને હંમેશા જ સુવ્યવસ્થિત રાખવો જોઈએ.

આ સ્થાન પર ન રાખો ભારે સામાન !

ઘરના મધ્ય ભાગમાં કોઇપણ પ્રકારનો ભારે સામાન કે ફર્નીચર ન રાખવું જોઇએ. વાસ્તુશાસ્ત્રમાં આ સ્થાનને બ્રહ્મ સ્થાન કહેવાય છે. એટલે આ સ્થાનને હંમેશા જ ખાલી અને સ્વચ્છ રાખવું જોઇએ. આ સ્થાન પર જો ભારે સામાન કે ફર્નીચર હશે તો પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર તેનો નકારાત્મક પ્રભાવ પડશે. એટલે આવા ફર્નીચરને તે જગ્યાએથી દૂર કરવું જ યોગ્ય માનવામાં આવશે. સાથે જ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં ઇષ્ટ દેવની મૂર્તિ હંમેશા દક્ષિણ દિશામાં જ હોય.

આ સ્થાન પર રાખો ઘરનું મંદિર !

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઇશાન ખૂણામાં ઘરનું મંદિર હોવું શુભ માનવામાં આવે છે. કારણ કે, આ સ્થાનને ઇશ્વરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. આ દિશામાં ઘરનું મંદિર હોવાથી આપને નિરોગી કાયાનું સુખ મળે છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. જો ઘરમાં મંદિર યોગ્ય સ્થાન પર હોય તો ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. તેમજ ઇશ્વરની કૃપા હંમેશા જ તે ઘરમાં રહેનારાઓને મળતી રહે છે.

ઘરમાં ન રાખો તૂટેલો સામાન

ઘરમાં ક્યારેય તૂટેલા કાચ, તૂટેલી ફૂટેલી વસ્તુઓ, બંધ ઘડિયાળ કે ભંગારનો સામાન ન રાખવો જોઈએ. તેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર તેમજ આર્થિક બાબતો પર તેની નકારાત્મક અસર પડે છે.

ઘરમાં લાવો ક્રિસ્ટલ બોલ !

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે ઓફિસની અંદર ક્રિસ્ટલ બોલ રાખવો શુભ માનવામાં આવે છે અને તેનાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. માન્યતા અનુસાર ક્રિસ્ટલ બોલ નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને આપના ઘર તેમજ ઓફિસને દુર્ભાગ્યથી મુક્ત રાખે છે. ક્રિસ્ટલ બોલ ઘરના મુખ્યદ્વાર ઉપર પણ લગાવી શકાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાયેલી રહે છે અને ધન ધાન્યની અછત ક્યારેય નથી સર્જાતી.

કપૂર દૂર કરશે સમસ્યા

પવિત્ર ઊર્જા માટે સાંજના સમયે ઘરમાં કપૂર પ્રગટાવવું જોઇએ. તેનાથી ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ બને છે અને વ્યક્તિને નિરોગી કાયાનું સુખ પ્રાપ્ત થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles