તમારા ઘરમાં વડીલ વ્યક્તિને કહેતા સાંભળ્યા હશે કે દક્ષિણ દિશામાં પગ રાખીને ન સૂવું જોઈએ. વડીલોના કહેવા પાછળ વાસ્તુશાસ્ત્રની માન્યતા જોડાયેલી છે. વાસ્તુ વિજ્ઞાનમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. કહે છે કે દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવાથી અથવા તે દિશામાં મોઢું રાખીને બેસવાથી તમારી આજુબાજુ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે !
આવો, આ વિશે વધુ માહિતી મેળવીએ.
વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું આગવું જ મહત્વ જણાવવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ દિશાને ઊર્જા ક્ષેત્ર, શયન, આરામ અને શાંતિનું સ્થાન માનવામાં આવે છે. આપણાં જીવનમાં આરામને પ્રાકૃતિક માધ્યમમાં ઊંઘ કહે છે. પરંતુ, ધ્યાનમાં આરામનું પહેલું ચરણ શારીરિક વિશ્રામ છે. આ શારીરિક વિશ્રામથી એક વિશેષ પ્રકારની ચમક ઉત્પન્ન થાય છે. એ ચમક આપની ઓળખ બનાવવામાં સહાયક ભૂમિકા ભજવે છે.
લોકો તેને ઓળખે છે અને વિશ્વભરમાં પોતાનું નામ કમાય છે. એટલે જ જ્યારે આ દિશા સંબંધિત કેટલીક ભૂલો આપણે કરીએ છીએ, ત્યારે તે આપણી નિષ્ફળતાનું કારણ બની જાય છે. દક્ષિણ દિશા સંબંધિત કેટલીક ભૂલો આપણી પ્રસિદ્ધિની મનશાને જ રગદોળી દે છે. તો ઘણીવાર તે કલંકનું કારણ પણ બની જાય છે. ત્યારે દક્ષિણ દિશા સંબંધિત નીચે જણાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી બની જાય છે.
દક્ષિણ દિશા સંબંધિત વાસ્તુ નિયમ
⦁ યોગાસન અને ધ્યાન કરવા માટે ઘરની દક્ષિણ દિશા ઉત્તમ માનવામાં આવે છે.
⦁ જો કોઇ વ્યક્તિને ઊંઘ ન આવવાની સમસ્યા હોય, મનમાં સતત અશાંતિ વ્યાપેલી રહેતી હોય તો તેનો અર્થ એ છે કે તેના ઘરની દક્ષિણ દિશામાં અસંતુલન છે !
⦁ જો દક્ષિણ દિશામાં વાદળી રંગના પડદા લાગેલા હોય તો તે વિરોધી તત્વ હોવાના કારણે આ દિશા અસંતુલિત રહે છે. તે ઘરની વ્યક્તિઓના યશ અને કિર્તીના પ્રયાસો પણ હંમેશા નિષ્ફળ જ જાય છે.
⦁ જો ઘરમાં દક્ષિણ દિશામાં શૌચાલય હોય તો તે ઘરમાં રહેતા લોકોને હંમેશા જ પ્રસિદ્ધિની સમસ્યા સતાવતી રહે છે. આવા લોકો હંમેશા જ તણાવમાં રહે છે અને રાહત પણ નથી અનુભવી શકતા.
⦁ જ્યારે ધંધાના સ્થળ પર દક્ષિણ દિશામાં શૌચાલય હોય છે ત્યારે વ્યક્તિને પ્રસિદ્ધિની સમસ્યા તો સતાવે જ છે. સાથે જ, કલંક લાગવાની પણ શક્યતા રહે છે !
⦁ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ક્યારેય દક્ષિણ દિશાની તરફ ન હોવો જોઈએ.
⦁ તમારા ઘરની તિજોરીનો દરવાજો પણ ક્યારેય દક્ષિણ દિશામાં ન ખુલે તેનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારી તિજોરી આ રીતે ગોઠવાયેલી હશે તો આર્થિક લાભની શક્યતાઓ જ ઘટી જાય છે. એટલે, આર્થિક લાભ માટે તેની ગોઠવણ ઝડપથી બદલી દેવી જોઈએ.
⦁ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડીયાળને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ. દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે અને હિંદુ શાસ્ત્ર અનુસાર યમને મૃત્યુના દેવતા માનવામાં આવે છે. એટલે, હંમેશા જ ઘડીયાળને ઉત્તર-પૂર્વ તરફની દિશામાં જ લગાવવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)