fbpx
Thursday, January 23, 2025

સારા કામના માર્ગમાં સતત અવરોધોનો સામનો કરવો પડે છે? બજરંગ બાણની આ ચોપાઈ ભયંકર મંગલદોષને પણ શાંત કરશે!

હનુમાનજીનું એક નામ છે કષ્ટભંજન. કારણ કે, તે ભક્તોના જીવનના સઘળા કષ્ટને નષ્ટ કરી તેને સુખી જીવનના આશીર્વાદ પ્રદાન કરે છે. પણ, શું આપ એ જાણો છો કે હનુમાનજીની કૃપાથી જ આપની કુંડળીમાં રહેલ ભયંકરમાં ભયંકર મંગળદોષ પણ શાંત થઈ શકે છે !

આજે અમે આપને જણાવીશું એક એવી ચોપાઈ કે જેનો મંત્રની જેમ જાપ કરવાથી આપ મંગળદોષમાં રાહતની પ્રાપ્તિ કરી શકો છો.

મંગળદોષના લક્ષણ

⦁ જ્યારે કુંડળીમાં મંગળની સ્થિતિ ખરાબ હોય છે ત્યારે જાતકને ખૂબ જ ગુસ્સો આવે છે. એટલું જ નહીં, અન્ય લોકો સાથે તેને વધારે બનતું પણ નથી.

⦁ જ્યારે મંગળ કુંડળીના બારમા ભાવમાં હોય છે, ત્યારે વ્યક્તિને લગ્ન આડે પણ અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

⦁ મંગળદોષના કારણે જ સંતાન પ્રાપ્તિમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

⦁ કુંડળીમાં મંગળદોષને કારણે ભાઈ સાથે પણ કોઈને કોઈ મુદ્દે અણબનાવ રહેતો હોય છે !

⦁ ખરાબ મંગળને કારણે વ્યક્તિ રક્ત સંબંધિત કોઈને કોઈ બીમારીમાં ફસાઈ જતી હોય છે. તેને આંખો સંબંધિત સમસ્યાઓ સતાવતી રહે છે. તેમજ ઉચ્ચ રક્તપાત, ફોડલા, લિવર, કીડની સંબંધિત શારીરિક સમસ્યાઓનો પણ વ્યક્તિએ સામનો કરવો પડે છે.

⦁ આવી વ્યક્તિઓ કોર્ટ કચેરીના મામલામાં ફસાઈ જતી હોય છે.

⦁ જો મંગળ આઠમા ભાવમાં હોય, તો વ્યક્તિના લગ્ન જીવનમાં પણ કડવાશ આવી જતી હોય છે.

ફળદાયી ચોપાઈથી મંગળદોષની શાંતિ !

મંગળદોષની શાંતિ અર્થે આમ તો અનેકવિધ ઉપાયો કરવામાં આવે છે. પરંતુ, અમારે આજે એક એવી ચોપાઈની વાત કરવી છે કે જેમાં મંગળદોષને હરવાનું સામર્થ્ય છે. આમ તો સમગ્ર બજરંગ બાણ અત્યંત ફળદાયી મનાય છે. તેનું પઠન માત્ર વ્યક્તિના અનેકવિધ સંતાપોનું શમન કરી દે છે. પરંતુ, જાણકારોના મતે તેની એક ખાસ ચોપાઈનું પઠન કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલ મંગળદોષની શાંતિ થાય છે. કહે છે કે શુભ કાર્ય આડે જ્યારે વિઘ્ન આવી રહ્યા હોય, ત્યારે પણ આ ચોપાઈનું પઠન અત્યંત લાભદાયી બની રહે છે. આ ચોપાઈ નીચે અનુસાર છે.

જય અંજનીકુમાર બલવંતા,
શંકર સુવન વીર હનુમંતા ।
બદન કરાલ કાલ કુલ ઘાલક,
રામ સહાય સદા પ્રતિપાલક ।।

ચોપાઈનો ભાવાર્થ

આ ચોપાઈનો અર્થ થાય છે કે, “હે અંજની પુત્ર, અતુલિત બળના સ્વામી, હે શિવજીના અંશ, વીરોના વીર હનુમાનજી મારી રક્ષા કરો. હે પ્રભુ તમારું શરીર અતિ વિશાળ છે અને તમે સાક્ષાત કાળનો પણ નાશ કરવા માટે સમર્થ છો. હે રામ ભક્ત, રામના પ્રિય તમે સદૈવ દુઃખિયોનું કલ્યાણ કરનારા છો. મારી રક્ષા કરો.”

માન્યતા અનુસાર જે લોકો મંગળદોષથી પીડિત છે, અથવા તો કોઈને કોઈ કારણસર વિવિધ કાર્યો આડે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તે લોકોએ આ ચોપાઈનું 11 વખત ઉચ્ચારણ કરવું જોઈએ ! સાથે જ “ૐ સર્વવિઘ્ન વિનાશકાય નમઃ” મંત્રનો પણ ઓછામાં ઓછો 44 વખત જાપ કરવો જોઈએ. કહે છે કે તેનાથી મંગળદોષ પણ શાંત થશે અને વ્યક્તિને સર્વ કાર્યમાં સિદ્ધિની પણ પ્રાપ્તિ થશે.

ક્યારે કરશો પઠન ?

ઉલ્લેખનીય છે કે આ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રારંભ મંગળવાર કે શનિવારના દિવસથી કરવો સવિશેષ ફળદાયી બની રહે છે. જો આપ નિત્ય તેનું પઠન ન કરી શકો, તો પણ, મંગળવાર કે શનિવારના દિવસે તેના જાપ કરવા લાભદાયી બની રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles