fbpx
Wednesday, January 22, 2025

ગંગા દશેરાથી મળશે 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ! જાણો ગંગા સ્તુતિના ફાયદા?

જેઠ માસમાં સુદ પક્ષની દશમી તિથિએ ગંગા દશહરાનો પર્વ ઉજવવામાં આવે છે. આ પર્વ આપણાં ગુજરાતમાં ગંગા દશેરાના નામે વિખ્યાત છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાનનો અને તેના કિનારે દાનનો સવિશેષ મહિમા છે. ત્યારે આવો જાણીએ કે આ પર્વ વ્યક્તિને કયા દસ પાપમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારો મનાય છે.

ગંગા દશેરાનું મહત્વ

જેઠ માસના સુદ પક્ષના પ્રથમ દસ દિવસ વાસ્તવમાં માતા ગંગાને જ સમર્પિત છે. આ દસ દિવસ ગંગા દશહરાનો પર્વ ઉજવવામાં આવે છે. અલબત્, તેમાં સૌથી મહત્વનો દિવસ એ જેઠ સુદ દશમીનો મનાય છે. આ દિવસ મોક્ષદાયિની માતા ગંગાને સમર્પિત છે. કહે છે કે આ દિવસે જ માતા ગંગાએ પૃથ્વી પર અવતરણ કર્યું હતું. એટલે જ આ દિવસે ગંગા નદીમાં સ્નાન, દાન અને ઉપવાસનો મહિમા રહેલો છે. આ વર્ષે ગંગા દશેરા તારીખ 30 મે, 2023, મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

કોની કરશો ઉપાસના ?

ગંગા દશેરાના દિવસે માતા ગંગાની સાથે નારાયણ, શિવજી, બ્રહ્માજી, સૂર્ય દેવતા, રાજા ભગીરથ અને હિમાલય પર્વતના પૂજનની પણ પરંપરા રહેલી છે. વળી આ ગંગા દશેરા પર મંગળવાર હોઇ, આ દિવસ પવનસુત હનુમાનની કૃપાને પણ પ્રાપ્ત કરાવનારો મનાઈ રહ્યો છે.

ગંગા દશેરાનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર જેઠ મહિનાના સુદ પક્ષની દશમી તિથિનો પ્રારંભ 29 મે, 2023 સોમવારે સવારે 11:49 કલાકે થશે. જે બીજા દિવસે 30 મે, 2023 મંગળવારે બપોરે 1:07 કલાકે પૂર્ણ થશે. ઉદયતિથિ અનુસાર ગંગા દશેરા 30 મેના રોજ ઉજવવામાં આવશે.

હસ્ત નક્ષત્ર

ગંગા દશેરાના પર્વમાં હસ્ત નક્ષત્રનો સવિશેષ મહિમા જોડાયેલો છે. આ હસ્ત નક્ષત્ર 30 મેના રોજ સવારે 4:29 કલાકે ચાલુ થશે. અને 31 મે, 2023ના રોજ સવારે 6:00 કલાકે પૂર્ણ થશે.

શુભ સંયોગ સાથે ગંગા દશેરા

આ વખતે ગંગા દશેરા પર રવિ યોગ, સિદ્ધિ યોગ અને ધન યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ સમયે સુખ પ્રદાતા શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે. જેને લીધે આ વખતની ગંગા દશેરા ધનલાભની પ્રાપ્તિ કરાવનારી સાબિત થશે.

10 પાપથી મુક્તિના આશીર્વાદ !

બ્રહ્મપુરાણ અનુસાર ગંગા દશેરાના દિવસે હસ્ત નક્ષત્ર સવિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા અનુસાર આ સમય દરમિયાન જે ગંગા સ્નાન કરે છે, તેના દસ પ્રકારના પાપોનો નાશ થઈ જાય છે. આ દસ પાપમાં 3 દૈહિક પાપ, 4 વાણી દ્વારા થયેલ પાપ અને 3 માનસિક પાપનો સમાવેશ થાય છે. જેમ કે, અસત્ય બોલવું, મંજુરી વગર કોઈની વસ્તુ લેવી, પરસ્ત્રી ગમન કરવું, અન્યની નિંદા કરવી, કોઈનું અહિત કરવું, અન્યની વસ્તુને ગેરકાયદેસર લઇ લેવાનો વિચાર કરવો તેમજ અન્ય વિશે ખરાબ થવાની કામના રાખવી. આ તમામ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. કહે છે કે ગંગા દશેરાનો અવસર આ તમામ પ્રકારના પાપથી વ્યક્તિને મુક્તિની પ્રાપ્તિ કરાવે છે.

ફળદાયી ગંગા સ્તુતિ

⦁ ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન અને ગંગા પૂજનનો તો મહિમા છે જ. સાથે જ ગંગા દશેરાના દિવસે મા ગંગાની સ્તુતિ કરવાથી માતા ગંગા અત્યંત પ્રસન્ન થતા હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ કહે છે કે ગંગા દશેરાના દિવસે ગંગા સ્તુતિ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મકત ઊર્જા દૂર થાય છે.

⦁ ગંગા સ્તુતિનો પાઠ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

⦁ ગંગા સ્તુતિના પ્રતાપે કુંડળીમાં રહેલ રાહુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. તમામ ગ્રહ શાંત થાય છે. અને વ્યક્તિને ગ્રહ દોષ નથી લાગતા.

⦁ ગંગા સ્તુતિ વ્યક્તિને જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાવે છે. તેમજ કાર્યમાં આવતા અવરોધો પણ દૂર કરી દે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles