fbpx
Friday, November 1, 2024

નિર્જલા એકાદશી પર અજમાવો આ સરળ તુલસી સંબંધિત ઉપાય, જીવનની અનેક પરેશાનીઓમાંથી મળશે રાહત!

વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીમાં નિર્જળા એકાદશીને અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અગિયારસને આપણે ભીમ અગિયારસના નામે પણ ઓળખીએ છીએ. કહે છે કે જેઠ મહિનાના સુદ પક્ષની આ એકાદશી પર તુલસીજી સંબંધિત કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરી શકો છો.

આવો, તે વિશે વિગતે જાણીએ.

જેઠ સુદ એકાદશીને આપણે નિર્જળા એકાદશી તરીકે ઓળખીએ છીએ. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધનાનો મહિમા છે. આ એકાદશી ધન, સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત તમામ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. જો કે આ દિવસે વિષ્ણુપૂજા જેટલો જ તુલસી પૂજાનો પણ મહિમા છે. તુલસીના છોડ અને વિષ્ણુજી સંબંધિત આ ઉપાયો તમારા ભાગ્ય આડેના તમામ અવરોધોને દૂર કરી દેશે. સાથે જ તમામ પ્રકારના સંતાપોનું શમન કરી જીવનમાં ખુશીઓનું આગમન કરાવશે.

તુલસીદળ સાથે ભોગ અર્પણ કરો

નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે ખાસ પંજરીનો ભોગ તૈયાર કરવો. આ તૈયાર કરેલા ભોગમાં તુલસીદળ જરૂરથી ઉમેરવું. ત્યારબાદ જ ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરવો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સવિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપને જીવનમાં ક્યારેય ધન સંબંધિત સમસ્યા નહીં સતાવે.

તુલસીજીની પૂજા કરો

માન્યતા અનુસાર ભીમ અગિયારસે માતા તુલસીની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપકર્મમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જો આપનું કોઇ કાર્ય અવરોધાતું હોય તો આ દિવસે તુલસીના છોડની સમક્ષ દીવો પ્રજવલિત કરીને માતા તુલસીની આરતી કરવી. જો કે, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે એકાદશીના દિવસે તુલસીજીને જળ અર્પણ ન કરવું. કારણ કે આ દિવસે દેવી તુલસી પણ નિર્જળા વ્રત રાખે છે.

તુલસીજીની પરિક્રમા કરવી

નિર્જળા એકાદશીના અવસરે તુલસીના છોડ પાસે સાંજે દીવો પ્રજવલિત કરવો. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો. અને કુલ 11 વખત તુલસીજીની પરિક્રમા કરવી. કહે છે કે આ ઉપાય કરવાથી આપના ઘરમાં રહેલ કલેશ દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ અને ખુશહાલી જળવાઇ રહે છે.

તુલસીમાતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરો

જો આપને જીવનમાં પ્રેમ સંબંધમાં સમસ્યા સતાવી રહી હોય તો તુલસીમાતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી. લાલ રંગની ચુંદડી સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. લાલ રંગની ચુંદડી અર્પણ કરવાથી માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપાની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles