જેઠ સુદ એકાદશીની તિથિ એ વર્ષની સૌથી મોટી એકાદશી મનાય છે. આ એકાદશીને આપણે ભીમ અગિયારસકે નિર્જળા એકાદશીના નામે તો ઓળખીએ જ છીએ. પણ, વાસ્તવમાં આ જ તિથિ પર ગાયત્રી જયંતીની પણ ઉજવણી કરવામાં આવે છે. તો, કહે છે કે આ દિવસે વિદ્યાર્થીઓ કેટલાક ખાસ ઉપાય અજમાવીને વિદ્યાના આશીર્વાદની પ્રાપ્તિ પણ કરી શકે છે.
આવો, આજે તે જ વિશે વિગતે જાણીએ.
ગાયત્રી જયંતીનો મહિમા
“ભાસતે સતતં લોકે ગાયત્રી ત્રિગુણાત્મિકા ।।” ગાયત્રી સંહિતામાં ઉલ્લેખ છે તેમ, દેવી ગાયત્રી એ તો માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા કાલીનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે, ગાયત્રી માતામાં જ આ ત્રિગુણાત્મક શક્તિ સમાયેલી છે. જે વ્યક્તિ માતા ગાયત્રીની ઉપાસના કરે છે, તેને આ ત્રણેવ દેવીઓના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર એ જેઠ સુદ એકાદશીનો જ અવસર હતો કે જ્યારે વેદમાતા ગાયત્રીનું પ્રાગટ્ય થયું હતું. અને એટલે જ આ દિવસ માતા ગાયત્રીની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ મનાય છે.
વિદ્યાર્થીઓને શુભાશિષની પ્રાપ્તિ
માતા ગાયત્રીની કૃપા પ્રાપ્ત કરાવતો અત્યંત ફળદાયી ગાયત્રી મંત્ર પ્રખર બુદ્ધિના આશિષ પણ પ્રદાન કરે છે. માન્યતા અનુસાર આ મંત્રના પ્રતાપે વિદ્યાર્થીઓની એકાગ્ર શક્તિ અને બુદ્ધિ ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. અને તે જ દૃષ્ટિએ ગાયત્રી જયંતીનો અવસર વિદ્યાર્થીઓ માટે સવિશેષ મહત્વ ધરાવે છે. કહે છે કે આ દિવસે જો વિદ્યાર્થીઓ એક ખાસ વિધિને અનુસરીને ગાયત્રી મંત્રનો જાપ કરે, તો તેમને અદ્વિતીય ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય નીચે અનુસાર છે.
ગાયત્રી જયંતીના ફળદાયી ઉપાય
⦁ ગાયત્રી જયંતીના અવસરે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને વિદ્યાર્થીઓએ ઘરના પૂજા સ્થાન સન્મુખ બેસવું. વિદ્યાર્થીઓએ એવી રીતે બેસવું જોઈએ કે જેથી તેમનું મુખ પૂર્વ દિશા તરફ રહે.
⦁ બેસવા માટે કુશના કે પછી લાલ રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ.
⦁ એક તાંબાનું નાનું પાત્ર લઈ તેમાં થોડું ગંગાજળ ભરવું. ત્યારબાદ તેમાં એક તુલસીદળ મૂકવું. આ કળશને વિદ્યાર્થીઓએ તેમની સન્મુખ મુકવો જોઈએ.
⦁ ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત કરવો. દેવી ગાયત્રીનું સ્મરણ કરવું. અને ત્યારબાદ રુદ્રાક્ષની માળા લઈ તેનાથી 108 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.
⦁ ગાયત્રી મંત્ર
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ।
ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।
⦁ જાપ પૂર્ણ થાય એટલે કળશમાં રહેલા જળને વિદ્યાર્થીઓએ તેમના શયનકક્ષમાં એટલે કે બેડરૂમમાં છાંટવું જોઈએ.
⦁ કળશમાં રહેલા તુલસીપત્રને ગ્રહણ કરી લેવું.
⦁ માન્યતા અનુસાર નિયમિત રૂપે આવું કરવાથી બાળકોની બુદ્ધિ પ્રખર બને છે. તેમની વૈચારિક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. તેમજ જે વિષયો તેમણે યાદ કર્યા હોય તે તેમને લાંબા સમય સુધી સ્મરણમાં રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)