આજે ભીમ અગિયારસનો એટલે કે નિર્જળા એકાદશીનો રૂડો અવસર છે. વર્ષની 24 એકાદશીનું પુણ્ય માત્ર આ એક એકાદશીના વ્રતથી પ્રાપ્ત થતું હોય છે. તો આ જ દિવસે વિશ્વામિત્રએ સમસ્ત સંસારને સર્વ પ્રથમ ગાયત્રી મંત્ર સંભળાવ્યો હતો. એટલે કે, આ દિવસ એ ગાયત્રી મંત્રનો પ્રાગટ્ય દિવસ પણ છે.
અને એટલે જ જેઠ મહિનાની આ એકાદશી મહાએકાદશી તરીકે પણ ઓળખાય છે. કહે છે કે આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવવાથી વ્યક્તિના જીવનના તમામ સંતાપોનું શમન થઈ જાય છે. તો, આવો જાણીએ કે આ દિવસે કયા આઠ કામ અચૂકથી કરવા જોઈએ.
ગંગાજળથી સ્નાન કરો
આજે સ્નાન કરતી વખતે નહાવાના પાણીમાં થોડું ગંગાજળ મિશ્રિત કરવું. કહેવાય છે કે આજના દિવસે આ રીતે સ્નાન કરવાથી તીર્થસ્થાનમાં સ્નાન સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિના સમસ્ત દોષો નાશ પામે છે. અને તેને વ્રતથી દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું
ભીમ અગિયારસે સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. યાદ રાખો, આ દિવસે તાંબાના કળશમાં અર્ઘ્ય અર્પણ કરવું અત્યંત શુભદાયી મનાય છે. આ અર્ઘ્ય અર્પણ કરતી વખતે ખૂબ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ જળ અર્પણ કરતાં સમયે “ૐ સૂર્યાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ.
આ રીતે કરવું જોઈએ વ્રત
નિર્જળા વ્રતનો અર્થ થાય છે જળ વિના. આ દિવસે લોકો જળ ગ્રહણ કર્યા વિના જ વ્રત કરે છે. પરંતુ, જો આપ આ દિવસે જળ ગ્રહણ કર્યા વિના વ્રત કરી શકો તેમ ન હોવ તો માત્ર ફળાહાર કરીને જ વ્રત કરવું. એટલે કે ભોજનમાં માત્ર ઋતુગત ફળ જ ગ્રહણ કરવા.
તર્પણ કરવું
પિતૃઓને તર્પણ કરવા માટે પણ આ દિવસ ખૂબ જ લાભદાયી મનાય છે. એટલે આ દિવસે પિતૃઓનું સ્મરણ કરી તેમની મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. અને તેમના માટે તર્પણ કરવું જોઈએ.
શિવ મંદિરમાં આ વસ્તુઓ અર્પણ કરો
ભગવાન વિષ્ણુની સાથે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવને સીતાફળ, નારિયેળ, સોપારી, બિલ્વફળ કે ઋતુગત ફળ અર્પણ કરવા પણ અત્યંત શુભદાયી મનાય છે.
માતા પાર્વતીને અર્પણ કરો અખંડ સૌભાગ્યની સામગ્રી
નિર્જળા એકાદશીએ જો તમે શિવ-પાર્વતીની એકસાથે ઉપાસના કરો છો, તો તે અત્યંત ઉત્તમ બની રહે છે. આ દિવસે આસ્થા સાથે ગૌરી-શંકરની ઉપાસના કરીને તેમની સન્મુખ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવો. ત્યારબાદ માતા પાર્વતીને અખંડ સૌભાગ્યની સામગ્રીઓ અર્પણ કરવી જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રદાન કરે છે.
આ શાસ્ત્રોનું પઠન કરવું
નિર્જળા એકાદશીનું વ્રત કરનાર જાતકે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા તો કરવી જ જોઈએ. સાથે જ સત્યનારાયણની કથા કરવી કે વિષ્ણુ પુરાણ અને રામાયણના પાઠ કરવા પણ ફળદાયી બની રહે છે.
આ વસ્તુઓનું કરો દાન
ભીમ અગિયારસના અવસરે દાન કરવાનો સવિશેષ મહિમા છે. ત્યારે આ દિવસે જાતકોએ વસ્ત્ર, તલ, ધન, ફળ તેમજ મીઠાઈનું કોઈ ગરીબને, જરૂરિયાતમંદને કે પછી મંદિરમાં દાન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)