જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 31 મેના રોજ નિર્જળા એકાદશી છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવે છે, પરંતુ આ વર્ષે 26 એકાદશી છે. જેમાં નિર્જળા એકાદશીને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ભીમસેની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે નિર્જળા એકાદશી કરવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવામાં આવતું નથી, જેથી નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
નિર્જળા એકાદશી શુભ મુહૂર્ત
31 મેના રોજ નિર્જળા એકાદશી છે. 30 મેના રોજ બપોરે 01:07 વાગ્યે આ તિથિની શરૂઆત થશે અને 31 મેના રોજ બપોરે 01:45 વાગ્યે પૂર્ણ થશે. 1 જૂનના રોજ નિર્જળા એકાદશીના પારણા કરવામાં આવશે, જે સવારે 05:24 વાગ્યાથી સવારે 08:10 વાગ્યા સુધી રહેશે. બારસની તિથિ બપોરે 01:39 વાગ્યે પૂર્ણ થશે.
નિર્જળા એકાદશી વ્રત અને પૂજા
આ વ્રત ખૂબ જ કઠિન છે. આ વ્રતનો નિયમ દશમથી શરૂ થાય છે. આ દિવસે ચોખાની વસ્તુનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે જે વ્યક્તિએ વ્રત કર્યું હોય તે વ્યક્તિ પાણી પણ પી શકતી નથી. સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લેવું અને વ્રતનો સંકલ્પ લેવો. પીળા રંગના કપડા પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. સૌથી પહેલા બાજઠ પર પીળુ કપડું પાથરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો અને હળદરથી તિલક કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા ફૂલ અને પીળા ફળ તથા મિઠાઈ અર્પણ કરો. પૂજા દરમિયાન એકાદશીની કથા તથા પાઠ કરો અને આરતી કરીને પૂજા પૂર્ણ કરો.
સાચા મનથી આ વ્રત કરો અને કોઈપણ વ્યક્તિને અપશબ્દ ના કહેશો. સાંજે પૂજા પહેલા સ્નાન કરી લેવું. સાંજે કંઈપણ ખાવું પીવું નહીં. બીજા દિવસે સ્નાન કર્યા પચી સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને વ્રત ખોલવું. અન્ન ફળનું દાન કરો. આ વિધિથી વ્રત કરનાર વ્યક્તિ પર ભગવાન વિષ્ણુની અપરંપાર કૃપા રહે છે.
નિર્જળા એકાદશી પર આ કામ ના કરવા
- કાળા કપડાં ના પહેરવા, માત્ર પીળા કપડાનો જ ઉપયોગ કરવો. વ્રત ના કરો તો પણ આ નિયમનું પાલન કરવું.
- તામસી ભોજનનું સેવન ના કરવું. માંસ મદિરા અને લસણ ડુંગળીનું સેવન ના કરવું.
- ચોખા અને મસૂરની દાળનું સેવન ના કરવું. માનવામાં આવે છે કે, આ દિવસે ચોખાનું સેવન કરવાથી બીજા જન્મે કીડા મકોડાના અવતાર પ્રાપ્ત થાય છે.
- નિર્જળા એકાદશીના દિવસે વાળ અને નખ ના કાપવા. જે લોકો આ નિયમનું પાલન કરે છે, તેમના પર ભગવાન વિષ્ણુની અપરંપાર કૃપા રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)