જેઠ માસની પૂર્ણિમાના દિવસે વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ પૂનમ 4 જૂન, રવિવારે છે. આ દિવસે વ્રત કરવાની સાથે જ સ્નાન દાનનો પણ મહિમા છે.
તો સાથે જ આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને તમે માતા મહાલક્ષ્મીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો. આવો, તે વિશે વિગતે જાણીએ.
જેઠ સુદ પૂર્ણિમાએ પવિત્ર નદીઓમાં સ્નાનનું મહત્વ છે. તો કહે છે કે, આ દિવસે દાન પુણ્ય કરવાથી તેનું બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વખતે, જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે સિદ્ધ યોગ પણ સર્જાઇ રહ્યો છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને આપ ધન, ધાન્ય અને સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ પણ કરી શકો છો. મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવનારા ઉપાયો નીચે અનુસાર છે.
ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ અર્થે
જેઠ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે.
સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ અર્થે
પૂર્ણિમાના આ અવસરે માતા લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ અને તેમને ભોગમાં ખીર અર્પણ કરવી જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી આપના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે.
માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્તિ અર્થે
આ દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમ્યાન તેમને 11 કોડી અર્પણ કરવી જોઇએ. આ કોડી પર હળદરથી તિલક કરવું જોઇએ. ત્યારબાદ આ કોડીને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી લો. આ ઉપાય અજમાવવાથી ક્યારેય આપની તિજોરી ખાલી નહીં થાય.
ચંદ્ર મજબૂતી અર્થે
જેઠ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સાથે જોડાયેલ વસ્તુઓનું દાન કરવું જોઇએ. એટલે કે સફેદ વસ્તુઓનું. જેમ કે, ખાંડ, દૂધ, દહીં, અક્ષતનું દાન કરવું જોઇએ. કહેવાય છે કે તેનાથી આપનો ચંદ્ર મજબૂત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.
પુણ્યફળની પ્રાપ્તિ
ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો તમે ગંગામાં સ્નાન ન કરી શકો તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાથી આપને ગંગા સ્નાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને આપને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)