ધાર્મિક શાસ્ત્રો અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે વિધિ વિધાન સાથે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસની ઉપાસનાથી માતા લક્ષ્મીના અવિરત આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રવાર માટે ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે ઉપાયો અજમાવવાથી આપને માતા લક્ષ્મી ધન, ઐશ્વર્ય, સુંદરતા અને સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે છે. એ જ રીતે જો કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય, તો તેને મજબૂત કરવા માટેના કેટલાક ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા છે. આવો, આવા જ કેટલાંક ઉપાયો વિશે જાણીએ.
શુક્રનો અશુભ પ્રભાવ દૂર કરવા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે શુક્રવારનો દિવસ ઉત્તમ મનાય છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને અવશ્ય લાભની પ્રાપ્તિ થાય છે. સાથે જ લક્ષ્મીકૃપાથી જ શુક્રના અશુભ પ્રભાવથી પણ મુક્તિ મળી શકે છે !
સ્વચ્છતાથી માતા લક્ષ્મીના આશીર્વાદ
ધનની દેવી માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે. સ્વચ્છ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. એટલે જો ધનની દેવીને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ તો ઘર અને ધંધા રોજગારની જગ્યાએ સાફ સફાઇ અવશ્ય જાળવવી. ધાર્મિક માન્યતા અનુસાર સાંજના સમયે માતા લક્ષ્મીનું આપના ઘરમાં આગમન થતું હોય છે. એટલે, જે લોકો સાંજના સમયે ઘરની સાફ સફાઇ કરતા હોય છે, તેમના ઘરેથી માતા લક્ષ્મી નારાજ થઇને જતા રહે છે.
શ્રીસૂક્તના પાઠ
શુક્રવારના દિવસે નિયમિત રીતે માતા લક્ષ્મીના શ્રીસૂક્તના પાઠ કરવા જોઇએ. કહેવાય છે કે તેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. સાથે આપની કુંડળીમાં રહેલ શુક્ર ગ્રહ મજબૂત બને છે. કેટલાક લાભદાયી પરિણામ પણ તેનાથી પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનનું આગમન થાય છે.
ખીરનો પ્રસાદ
માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સૂર્યોદયથી પહેલા સ્નાન કરીને માતા લક્ષ્મીની આરતી કરવાની હોય છે. માતા લક્ષ્મીને ખીરનો પ્રસાદ નૈવેદ્ય સ્વરૂપે અર્પણ કરવાનો હોય છે. આ પ્રસાદ નાની કુંવારી કન્યાઓમાં વહેંચીને પછી પોતે ગ્રહણ કરવો. આ ઉપાયથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થઇને આપને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે.
સફેદ રંગથી શુભાશિષ
શુક્રવારના દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ત્યારબાદ માતા લક્ષ્મીને પ્રણામ કરવા. માતા લક્ષ્મીને પ્રિય પુષ્પ અર્પણ કરીને તેમનું પૂજન કરવું જોઇએ.
શુદ્ધ ઘી
કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે ગાયના શુદ્ધ ઘીનું મંદિરમાં દાન કરવું જોઇએ. તેનાથી શુક્ર બળવાન બને છે અને આપની કુંડળીમાં ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બનાવે છે.
કીડીયારું પૂરવું
જો આપને નોકરી, ધંધા અને રોજગારમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો શુક્રવારના દિવસે કાળી કીડીઓનું કીડીયારું પૂરવું જોઇએ. તેનાથી આપના તમામ પ્રકારના અવરોધો દૂર થઈ જશે.
ગુલાબી રૂમાલ !
માન્યતા અનુસાર જો કુંડળીમાં રહેલ શુક્ર ગ્રહની શાંતિ કરવી હોય અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો શુક્રવારના દિવસે સફેદ અને ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. જો તમે આ રંગના વસ્ત્ર ધારણ ન કરી શકો તો તમે પોતાની પાસે આ રંગનો નાનો રૂમાલ પણ રાખી શકો છો. માન્યતા અનુસાર આ નાનકડાં ઉપાયથી પણ શુક્ર ગ્રહ સંબંધિત દોષોમાં રાહતની પ્રાપ્તિ થાય છે. સાથે જ માતા લક્ષ્મીની પણ ભક્તો પર કૃપા વરસે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)