હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે જેઠ વદ અગિયારસે યોગિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. યોગિની એકાદશીના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી શુભ ફળદાયી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે ભક્ત યોગિની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરે છે, તેમને પાપ કર્મોથી મુક્તિ મળે છે.
આ વ્રત કરવાથી મૃત્યુ બાદ ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે યોગિની એકાદશી વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન ફળ પ્રાપ્ત થાય છે, તેથી આ વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ચાલો જાણીએ યોગિની એકાદશી વ્રતની તિથિ અને શુભ મુહૂર્ત.
યોગિની એકાદશી 2023 તિથી અને શુભ મુહૂર્ત
જેઠ વદ અગિયાસરની તિથિની શરૂઆત 13 જૂન, મંગળવારે સવારે 09 વાગીને 28 મિનિટથી થઇ રહી છે. તેનું સમાપન 14 જૂને સવારે 08 વાગીને 48 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર યોગિની એકાદશીનું વ્રત 14 જૂને રાખવામાં આવશે.
યોગિની એકાદશીની પૂજા વિધિ
- યોગિની એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને પીળા વસ્ત્રો ધારણ કરો.
- ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતાં, વ્રત કરવાનો સંકલ્પ કરો અને ધૂપ દીવો પ્રગટાવો.
- ભગવાન વિષ્ણુની વિધિ વિધાનપૂર્વક પૂજા કરો અને એકાદશી વ્રતની કથા વાંચો અથવા સાંભળો.
- કથા પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુની આરતી કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રત રાખો.
- બીજા દિવસે બારસ તિથિના દિવસે સવારે સ્નાન કરીને ફરીથી પૂજા કરો. બ્રાહ્મણ અને જરૂરિયાતમંદને ભોજન કરાવીને દાન- દક્ષિણા આપો.
યોગિની એકાદશીના વ્રતના નિયમો
- એકાદશીના વ્રત દરમિયાન કોઈપણ પ્રકારના અન્નનું સેવન વર્જિત છે, તેથી દશમી તિથિના સૂર્યાસ્ત પછી ભોજન કરવું નહીં જેથી બીજા દિવસે પેટમાં અન્નનો કોઈ અંશ ન રહે.
- બીજી તરફ જે લોકો એકાદશીનું વ્રત નથી કરતા તેમણે પણ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવે છે.
- એકાદશીના બીજા દિવસે, બારસ તિથિના દિવસે, વિષ્ણુજીને ભોગ અર્પણ કરીને અને બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી જ વ્રતના પારણા કરવામાં આવે છે.
- એકાદશી વ્રતના પારણા હરિ વાસરની સમાપ્તિ પછી અને બારસની સમાપ્તિ પહેલાં કરી લેવા જોઈએ.
- બારસ તિથિ સમાપ્ત થયા પછી એકાદશીના વ્રતના પારણા કરવા એ પાપ સમાન ગણાય છે.
યોગિની એકાદશીનું મહત્વ
યોગિની એકાદશીનું વ્રત ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, રક્તપિત્તથી પીડિત વ્યક્તિ જો યોગિની એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા અને નિયમો સાથે કરે તો તેનો રોગ જલ્દી જ ઠીક થઈ જાય છે. આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે. જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે અને આ લોક પછી વ્યક્તિને વૈંકુઠધામની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)