fbpx
Wednesday, November 6, 2024

આજથી શરૂ થાય છે ગૌરી વ્રત, શું છે આ વ્રતનો સાર અને દીકરીઓના આ વ્રતમાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ?

અષાઢ સુદ એકાદશીનો અવસર એટલે તો અનેકવિધ ઉત્સવોના પ્રારંભનો અવસર. પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે શ્રીહરિ વિષ્ણુ યોગનિંદ્રામાં જાય છે. તે સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. તો, ગુજરાતમાં આ દિવસથી જ ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે. જે અંતર્ગત આજે તારીખ 29 જૂન, ગુરુવારના રોજથી કુમારિકાઓનું ગૌરી વ્રત શરૂ થઈ રહ્યું છે.

ત્યારે, આવો જાણીએ કે આ વ્રતની મહત્તા શું છે ?

ગૌરી વ્રતનો મહિમા

ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી. સવિશેષ મહત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે.

ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે. તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવ્યે કુંવારી કન્યાને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે. આવો, આ વ્રતની વિધિને અને તેના ગૂઢાર્થને સમજીએ.

દેવી ગૌરીએ કર્યા હતા અનેક વ્રત !

દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે. પ્રચલિત કથા અનુસાર દેવી ગૌરીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંથી જ એક મનાય છે. કહે છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી જ કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે.

પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. અલબત્, શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને, બીજા પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લાં પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું. આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે.

જવારા રૂપ માતા પાર્વતીની પૂજા !

ગૌરી વ્રતમાં જવારાની પૂજાનો સવિશેષ મહિમા છે. વાસ્તવમાં આ જવારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે ! સાથે જ તે સુખ, સમૃદ્ધિનું પણ પ્રતિક છે. પહેલાંના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાંચમે ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત એમ સાત પ્રકારના ધાનને છાણીયું ખાતર નાંખેલી માટીમાં વાવવામાં આવતા. તેમાં રોજ જળનું સિંચન કરાતું. અષાઢી સુદ એકાદશી આવતા આ જવારા ખીલી ઉઠતા. અષાઢ મહિનો એ વરસાદનો અને હરિયાળીનો મહિનો મનાય છે. કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.

શિવ-શક્તિની એકસાથે પૂજા

ગૌરી વ્રતમાં જેટલો મહિમા જવારાની પૂજાનો છે. તેટલું જ મહત્વ કન્યાઓને મન નાગલા બનાવવાનું પણ છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા તૈયાર કરવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે. આ શિવ રૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા બાદ જ જવારાની પૂજાનો મહિમા છે. એટલે કે શિવ અને શક્તિ બંન્નેની સંયુક્ત પૂજા કરવાનો ગૌરી વ્રતમાં મહિમા છે.

ખેતર ખેડવાની વિધિ

ગૌરી વ્રતમાં જવારાની પૂજા કર્યા બાદ નાની નાની બાળાઓ ભેગી થઈ ખેતર ખેડવાની વિધિ કરે છે. જમીનના નાના ભાગમાં ચાસ પાડીને તેમાં બીજ રોપે છે. ત્યારબાદ રોજ તેમાં જળનું સિંચન કરે છે. અને પછી તેને પાંગરતા જોઈને પ્રસન્ન થાય છે. વાસ્તવમાં આ વિધિ દ્વારા કન્યાઓને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, કે વાસ્તવમાં તો જીવન પણ એક ખેતર જ છે. જેમાં જેવું વાવશો તેવું જ પામશો.

શું રાખશો ધ્યાન ?

ગૌરી વ્રત એ ખૂબ જ નાની ઉંમરની બાળાઓ કરતી હોય છે. ત્યારે સૌથી વધુ એ વાતનું ધ્યાન રાખવું કે આ પાંચ દિવસ દરમિયાન ઘરમાં બિલ્કુલ પણ કલેશ ન થાય. જો બાળકીઓથી કોઈ ભૂલ રહી જાય, તો તેના પર ક્રોધ કરવાને બદલે તેને પ્રેમથી સમજાવવી જોઈએ. ઘણીવાર દિકરીઓ ભૂલથી કંઈ ન ખાવાની વસ્તુ જો મોંમા મુકી પણ દે, તો તેને ઠપકારવાને બદલે સમજાવટથી કામ લો. ભગવાન ભાવની શુદ્ધિ જુએ છે. અને બાળાઓ નાની ઉંમરે હરખથી વ્રત કરે છે તે જ સૌથી મોટી વાત છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles