fbpx
Thursday, January 16, 2025

અધિક મહિનાના કારણે પાંચ મહિનાના ચાતુર્માસનો પ્રારંભઃ રાત્રે ઉજવાશે રક્ષાબંધન, 97 દિવસના વ્રત-ઉત્સવ આવશે

૧૯ વર્ષ પહેલાં ૨૦૦૪માં શ્રાવણ માસ અધિક માસ હતો. આ વર્ષે પણ બે શ્રાવણ હોવાથી ૫૮ દિવસ સુધી ચાલશે. દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીનો સમય ૧૪૮ દિવસનો રહેશે. ચાતુર્માસ દરમિયાન ૯૭ દિવસના ઉપવાસ અને તહેવારોની ઉજવણી થશે.

આજથી ૨૩ નવેમ્બર સુધી ચાતુર્માસ ચાલશે. ત્યાં સુધી ગુરુ પૂર્ણિમા, અધિક માસના ૩૦ દિવસ, રક્ષાબંધન, ગણેશ ઉત્સવ ૧૦ દિવસ, પિતૃપક્ષ ૧૫ દિવસ, નવરાત્રિ નવ દિવસ. દીપોત્સવ પાંચ દિવસ સહિતના ૯૭ દિવસ વ્રત-ઉત્સવ આવશે.

એવું મનાય છે કે ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી આરામ કરે છે. આ વર્ષે અધિક માસ હોવાને કારણે વિષ્ણુજી પાંચ મહિના આરામ કરશે. શિવ પૂજા ૪ જુલાઈથી શરૂ થશે જે ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે. ૧૮ જુલાઈથી ૧૬ ઓગસ્ટ સુધી અધિક માસ રહેશે. પંચાંગના દરેક મહિનામાં સૂર્ય સંક્રાંતિ આવે છે એટલે કે સૂર્ય તેની રાશિ બદલેે છે, પરંતુ અધિક મહિનામાં સંક્રાંતિ આવતી નથી.

ચાતુર્માસમાં બની રહેલા યોગ-સંયોગ
આ વખતે સોમવતી અમાવસ્યાનો શુભ સંયોગ શ્રાવણના બીજા સોમવારે બની રહ્યો છે. સાતમા સોમવારે નાગપંચમી અને છેલ્લા સોમવારે પ્રદોષ વ્રત છે. આ વર્ષે ભદ્રાના કારણે રાખડી બાંધવાના દિવસમાં કોઈ મુહૂર્ત નહીં હોય. રક્ષાબંધન રાત્રે નવ વાગે જ ઊજવી શકાશે. આ વખતે શરદ પૂર્ણિમા-૨૮ ઓક્ટોબરના રોજ આંશિક ચંદ્રગ્રહણ સાથે થશે, જે ભારતમાં દેખાશે. દિવાળી પહેલાં ખરીદી માટે ૫ નવેમ્બરે દુર્લભ રવિપુષ્ય યોગ પણ બની રહ્યો છે.

સંતો ચાતુર્માસમાં યાત્રા કરવાનું ટાળે છે
ચાતુર્માસમાં એક જ જગ્યાએ રહીને ભક્તિ, તપ અને ધ્યાન વગેરે જેવાં પુણ્ય કાર્યો કરવાની પરંપરા છે, ખાસ કરીને આ બાબત ઋષિ-મુનિઓ સાથે જોડાયેલી છે. સંતો ચાતુર્માસમાં યાત્રા કરવાનું ટાળે છે. જૈન સાધુ સંતો સાધ્વીજી પણ ચાતુર્માસમાં યાત્રા ટાળે છે. માન્યતા છે કે ચાતુર્માસનો સમય વરસાદી રહે છે. આ દિવસોમાં નદી અને નાળાં તોફાની બને છે, સતત વરસાદ પડે છે. એક સમયે વરસાદને કારણે પ્રવાસ માટેનાં સાધનો સરળતાથી ઉપલબ્ધ ન હતાં. જેથી સંતો અને ઋષિ મુનિઓ પ્રવાસ ન કરીને માત્ર એક જ સ્થળે રોકાતા હતા.

ફ્રૂટના ભાવમાં પણ વધારો
આજે અષાઢ સુદ એકાદશીના સવારે સૂર્યોદયથી જ ૬.૧૫ કલાકથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. બે દિવસ બાદ જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે ત્યારબાદ ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતમાં મીઠાનો ત્યાગ કરવાનો હોય છે. તેથી ફ્રૂટ અને મીઠાઈની માગ વધી જાય છે. જેના કારણે હાલમાં ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ્સની માગ વધી છે. સાથે સાથે ફ્રૂટના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

અધિક માસનું નામ પુરુષોત્તમ માસ
પ્રચલિત દંતકથા અનુસાર અધિક માસને શુભ માનવામાં આવતો ન હતો. આ કારણે કોઈ પણ ભગવાન આ મહિનાના માલિક બનવા માગતા ન હતા. પછી અધિક માસે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. અધિક માસની પ્રાર્થના સાંભળીને વિષ્ણુજીએ આ માસને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપ્યું. ત્યારથી આ માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં ભાગવત કથાનું વાચન અને શ્રવણ, મંત્ર જાપ, પૂજા, ધાર્મિક અનુષ્ઠાન, દાન વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles