fbpx
Wednesday, November 6, 2024

ગુરુ પૂનમ પર કરો આ પાંચ ઉપાય, નોકરી-ધંધામાં થશે પ્રગતિ

ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂનમ પર આવે છે. ગુરુ પૂનમે વેદ વ્યાસજીનો જન્મ થયો હોવાથી આ દિવસને ગુરુ પૂનમ કહેવામાં આવે છે. ચાલુ વર્ષે ગુરુ પૂનમ 3 જુલાઇના રોજ છે. આ દિવસે ગુરુજનનું સન્માન કરવામાં આવે છે. લોકો પોતાના ગુરુ સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ લે છે. આ દિવસનું ખૂબ જ મહત્વ હોય છે. તમે આ દિવસે કેટલાક ઉપાય કરી ગુરુ દોષમાં રાહત મેળવી શકો છે અને પ્રગતિ કરી શકો છો.

વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો

કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો જીવનમાં નોકરી, વ્યવસાય, ધંધા સહિતના પાસાઓને ખરાબ અસર થાય છે. જાતકની પ્રગતિ થઈ શકતી નથી. તમને પણ સમસ્યા નડતી હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુની ભાવભેર પૂજા કરવી જોઈએ. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવાથી રાહત મળે છે. આ ઉપરાંત વિષ્ણુ પૂજામાં પંચામૃત, તુલસી અને પીળા ફુલનો ઉપયોગ કરવો પણ જરૂરી બની જાય છે. ભગવાન વિષ્ણુને ગોળ, ચણાની દાળ અથવા તો બેસનના લાડુનો પ્રસાદ ધરાવવો જોઈએ.

ગુરુ યંત્રની સ્થાપના કરો

જીવનમાં પ્રગતિ કરવા અને કુંડળીમાં નબળા ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે ગુરુપૂર્ણિમાના પ્રસંગે ઘરમાં ગુરુ યંત્રની સ્થાપના કરવી જોઈએ. સ્થાપના કર્યા બાદ દર ગુરુવારે તેની પૂજા કરવામાં આવે તો જીવનમાં ગુરુ ગ્રહનો સકારાત્મક પ્રભાવ પડવા લાગે છે.

ગુરુનો આદર કરો, દક્ષિણા આપો

ગુરુપૂર્ણિમાનો દિવસ ગુરૂજનને સમર્પિત છે. જેથી આ દિવસે ગુરુ પાસે જઈને શીશ નમાવી આશીર્વાદ લો. તેમને ઘરે ભોજનનું આમંત્રણ આપો. ઘરે ભોજન કરાવ્યા બાદ તેમને ભેટમાં વસ્ત્રો અને ધાર્મિક પુસ્તકો આપો. દક્ષિણા આપી તેમને વિદાય આપો. આવું કરવાથી તમારું ભાગ્ય ઊઘડી જશે અને ગુરુદોષમાં પણ રાહત મળશે.

પીળા કલરની વસ્તુઓનું દાન આપો

ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પીળા વસ્ત્રો, પીળી દાળ, કેસર, ઘી, પિત્તળ અને પીળા કલરની મીઠાઈઓ સહિતની વસ્તુઓનું દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. આવું કરવાથી કારકિર્દીમાં પ્રગતિ થાય છે.

ઉત્તર-પૂર્વ દિશા સાફ રાખો

ઘરમાં સાફ-સફાઈ હોવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરનો ઇશાન ખુણો એટલે કે ઉત્તર પૂર્વ દિશા ચોખ્ખી હોવી જોઈએ. ઈશાન ખૂણાનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ સાથે હોવાનું કહેવાય છે. આ દિશાને સાફ કર્યા બાદ તેને હળદર અને પાણીથી લીપી નાંખો. ત્યાર બાદ ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles