સમગ્ર વર્ષ દરમિયાન આમ તો કુલ 24 એકાદશી આવતી હોય છે. પરંતુ, અષાઢ માસના વદ પક્ષની એકાદશી શ્રીવિષ્ણુની પરમ કૃપાને પ્રાપ્ત કરાવનારી મનાય છે. આ વખતે આ એકાદશીનું વ્રત 13 જુલાઈ, ગુરુવારના રોજ કરવામાં આવશે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે પૂજા માટેનું શુભ મુહૂર્ત ક્યારે છે ? અને કેવાં કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે આ કામિકા એકાદશી ?
ફળદાયી કામિકા એકાદશી
કામિકા એકાદશીનું વ્રત અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશીની તિથિએ કરવામાં આવે છે. આ વ્રત કરવાથી વ્યક્તિના સમગ્ર પાપકર્મનો નાશ થાય છે. અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર જે જાતક કામિકા એકાદશીના વ્રતની કથા સાંભળે છે, તેને વાજપેય યજ્ઞ કરાવવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી તીર્થ સ્થાનમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
ક્યારે કરશો વ્રત ?
12 જુલાઇ, બુધવારે સાંજે 05:59 કલાકે કામિકા એકાદશી તિથિની શરૂઆત થશે. આ તિથિ 13 જુલાઇ ગુરુવારે સાંજે 06:24 કલાક સુધી માન્ય ગણાશે. ઉદયતિથિના આધારે કામિકા એકાદશીનું વ્રત 13 જુલાઇ ગુરુવારે રાખવામાં આવશે.
કામિકા એકાદશીનું પૂજા મૂહુર્ત
13 જુલાઇએ કામિકા એકાદશીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 05:32 થી સવારે 07:16 સુધી રહેશે. ત્યારબાદ સવારે 10:43થી બપોરે 3:45 સુધી શુભ મુહૂર્ત છે. આપ આપની અનુકૂળતા પ્રમાણે પૂજા કરી શકો છો. આ દિવસનું અભિજીત મૂહુર્ત સવારે 11:59થી 12:54 સુધી રહેશે.
કામિકા એકાદશીના પારણાનો સમય
કામિકા એકાદશી વ્રતના પારણા 14 જુલાઇ શુક્રવારના દિવસે થશે. આ દિવસે આપ સવારે 05:32 થી સવારે 08:18 ની વચ્ચે વ્રતના પારણા કરી શકો છો. આ દિવસે દ્વાદશી તિથિનો અંત સવારે 07:17 કલાકે થશે.
કામિકા એકાદશી વ્રતનું મહત્વ
એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ પાસે એકાદશીના વ્રત વિશે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે પ્રભુએ જણાવ્યું કે અષાઢ મહિનાના વદ પક્ષની આ એકાદશીને કામિકા એકાદશી કહે છે. આ વ્રત કરવાથી વ્યક્તિ પાપ મુક્ત થઇ જાય છે. વિષ્ણુ કૃપાથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)