ઇશ્વરની આરાધના કરવાની ઘણી રીતો છે જેમાંથી એક છે પરિક્રમા જેનો અર્થ થાય છે, તમારા ઇષ્ટની ચારે તરફ ગોળાકાર ફરતા ઇશ્વરની શરણમાં જવું. તમે જે પણ વસ્તુની પરિક્રમા કરો છો તે હંમેશા તમારી જમણી બાજુ હોવી જોઇએ. સનાતન ધર્મમાં પરિક્રમા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરિક્રમા કઇ રીતે કરવામાં આવે છે. મંદિરની પરિક્રમા, કોઇ વૃક્ષની પરિક્રમા, તીર્થ સ્થાનની પરિક્રમા, દેવી-દેવતાઓની પ્રતિમાઓની પરિક્રમા, ગિરિરાજ પરિક્રમા વગેરે.
દરેક દેવી-દેવતાઓની પરિક્રમા કરવાના અલગ નિયમ હોય છે. આ જ રીતે ભગવાન શિવની પરિક્રમા કરવાના પણ નિયમ જણાવવામાં આવ્યા છે. જે અનુસાર શિવજીની પ્રતિમાની પૂરી પરિક્રમા કરી શકો છો પરંતુ શિવલિંગની ફક્ત અડધી જ પરિક્રમા કરવામાં આવે છે.
જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો પરિક્રમાનું ફળ પ્રાપ્ત નથી થતું અને તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો તમને જણાવીએ કે શિવલિંગની અડધી પરિક્રમા કેમ કરવામાં આવે છે અને શિવ પરિક્રમાના નિયમ શું છે.
શિવલિંગની પરિક્રમાને અર્ધચંદ્રાકાર કરવો શાસ્ત્ર સંવત માનવામાં આવે છે. અર્ધચંદ્રાકાર એટલે કે ગોળ ફરતા અડધી પરિક્રમા કરવી. શિવલિંગની પરિક્રમા કરતા સમયે દિશાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. શિવલિંગની પરિક્રમા હંમેશા ડાબી બાજુથી આરંભ કરીને જલધારી સુધી જઇને વિપરિત દિશામાં પરત ફરીને બીજી બાજુથી ફરી પરિક્રમા પૂર્ણ કરો. આ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગની પરિક્રમા ક્યારેય જમણી બાજુથી ન કરવી જોઇએ. શિવલિંગની પરિક્રમા કરતી વખતે જળસ્થાન અથવા જલધારીને ઓળંગવી વર્જિત હોય છે. ચાલો તમને જણાવીએ જળધારીને ન ઓળંગવાના પાછળનું કારણ.
કેમ વર્જિત છે જલધારીને ઓળંગવી
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, શિવલિંગની ઉપરનો હિસ્સો પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે અને નીચેનો હિસ્સો સ્ત્રીનું પ્રતિક માનવામાં આવ્યું છે. આ રીતે શિવલિંગને શિવ અને શક્તિ બંનેની સંયુક્ત ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગ પર અભિષેક કર્યા બાદ જે સ્થાનથી જળ પ્રવાહિત થાય છે તેને જલધારી અથવા સોમસૂત્ર કહેવામાં આવે છે.
માનવામાં આવે છે કે શિવલિંગમાંથી ઉર્જાનો પ્રવાહ થાય છે, જ્યારે તેના પર જળ ચડાવવામાં આવે છે તો જળમાં શિવ અને શક્તિની ઉર્જાનો કેટલોક અંશ સામેલ થઇ જાય છે, તેથી જ્યારે પરિક્રમા કરતી વખતે અથવા અજાણતા જલધારીનો ઓળંગાઇ જાય તો તેના પગના મધ્યથી ઉર્જા શરીરમાં પ્રવેશ કરી જાય છે, જેના કારણે વ્યક્તિને વીર્ય અથવા રજ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે.
શિવલિંગમાંથી નીકળતી ઉર્જા ખૂબ જ ગરમ અને શક્તિશાળી હોય છે આ જ કારણ છે કે શિવલિંગની ઉપર હંમેશા એક કળશ લાગેલો હોય છે જેમાંથી પાણીના ટીપાં શિવલિંગ પર અવિરતપણે પડતા રહે છે. આ જ કારણ છે કે ઘરમાં શિવલિંગ રાખવું વર્જિત માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે ઘરમાં શિવલિંગ રાખો છો તો તેના પણ કેટલાંક નિયમો અને મર્યાદાઓ છે જેનું પાલન કરવું ઘરમાં ખૂબ જ મુશ્કેલ છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)