fbpx
Sunday, January 19, 2025

શિવને ચઢાવવામાં આવેલ પંચામૃતનો ભોગ તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખોલશે!

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં અધિક શ્રાવણમાસના સોમવારે શિવજીની પૂજા કરવાનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. ભગવાન શિવને અતિપ્રિય છે આ મહિનો. આ વર્ષે બે મહિના શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર મળ્યો છે.

શિવજીની આરાધના માટે સોમવારને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ દિવસે શિવજી નિમિત્તે વ્રત કરવામાં આવે છે અને તેમની વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે.

એવામાં આ અધિક શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શંકરની કૃપાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ શિવજીની કૃપા પ્રાપ્ત કરવાના સરળ અને સચોટ ઉપાયો વિશે.

ધન-ધાન્યની વૃદ્ધિ અર્થે

જો આપ ધન-ધાન્યની વૃદ્ધિ ઇચ્છતા હોવ તો આ દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને શિવ મંદિરમાં જવું. મંદિરમાં શિવજીની વિધિ વિધાન સાથે પૂજા કરવી. તેના માટે સૌપ્રથમ શિવલિંગનો જળાભિષેક કરવો. ત્યારબાદ શિવલિંગને કુમકુમ અને અક્ષતથી તિલક કરવું, હવે સાકરથી ભગવાનનું મોં મીઠું કરવું સાથે જ તેમને ફળનો ભોગ અર્પણ કરો. ત્યારબાદ ધૂપ-દીપ કરીને ભગવાનની પૂજા આરાધના કરીને અંતમાં હાથ જોડીને પ્રાર્થના કરવી.

મિલકતમાં વૃદ્ધિ અર્થે

જો આપ કોઇ મિલકતના ખરીદ-વેચાણને લઇને પરેશાન રહેતા હોવ અને આપને કોઇ સારો ફાયદો ન થઇ રહ્યો હોય તો આ દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને ઘરની નજીકના શિવમંદિરમાં જઇને શિવજીને દંડવત પ્રણામ કરવા સાથે જ શિવલિંગ પર ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ વડે અભિષેક કરવો જોઇએ.

વિજય પ્રાપ્તિ અર્થે

જો આપ જીવનમાં દરેક ક્ષેત્રે વિજયની પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો આ દિવસે આપે બિલીપત્રની માળા બનાવીને શિવલિંગ પર અર્પણ કરવી જોઇએ સાથે જ શિવલિંગથી જળાભિષેક કરવો જોઇએ.

સંતાનસુખની પ્રાપ્તિ અર્થે

આપ જો સંતાન સુખથી વંચિત હોવ તો આપે આ દિવસે સફેદ પુષ્પોની માળા લઇને શિવજીના ચરણોમાં અર્પણ કરવી જોઇએ અને ભગવાન શંકરને ગોળની મિઠાઇનો ભોગ ધરાવવો જોઇએ. તેનાથી શંકર ભગવાન જલ્દી જ આપની સંતાનસુખની કામના પૂર્ણ કરશે

ધંધા રોજગારમાં વૃદ્ધિ અર્થે

જો ધંધા વ્યવસાયમાં આપની શાખ ઘટતી જતી હોય અને લાખ પ્રયત્નો પછી પણ આપ ધંધાને ઉંચાઇ પર નથી લઇ જઇ શકતા તો આ દિવસે આપે ચંદનની ખૂશ્બુવાળી ધૂપબત્તી શિવજીના મંદિરમાં અર્પણ કરવી જોઇએ.

ખુશહાલ જીવન અર્થે

જો આપને જીવનમાં ખુશહાલી જોઇતી હોય અને પરિવારને ખુશ રાખવા ઇચ્છતા હોવ તો આ દિવસે શંકર ભગવાનની વિશેષ પૂજા કરવી જોઇએ અને તેમને મગ અર્પણ કરવા જોઇએ.

ભૌતિક સુખ સમૃદ્ધિ અર્થે

જો આપ જીવનમાં ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ કરવા ઇચ્છતા હોવ તો આ દિવસે ભગવાન શિવને ચંદનનું તિલક લગાવવું જોઇએ સાથે જ તેમને મધનો ભોગ અર્પણ કરવો.

જીવનમાં પ્રગતિ અર્થે

જો આપ પ્રગતિ કરવા ઇચ્છો છો અને પોતાની અલગ જ ઓળખ ઊભી કરવા માંગો છો તો આ દિવસે આપે પોતાના હાથે પંચામૃત તૈયાર કરીને આ પંચામૃતનો ભોગ શિવજીને અર્પણ કરવો તેનાથી આપની પ્રગતિ ઉત્તરોત્તર વધશે.

સફળતાની પ્રાપ્તિ અર્થે

જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે આપે શિવ મંદિરમાં પાણીની સેવા અર્પણ કરવી જોઇએ. શિવમંદિરમાં પાણીની પરબ બંધાવવી જોઇએ. આ ઉપાયથી તમને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles