એક વર્ષમાં કુલ 24 એકાદશી આવતી હોય છે, જેમાં દર મહિનામાં 2 એકાદશી આવે છે એક સુદ પક્ષની અને બીજી વદ પક્ષની. પરંતું આ વર્ષે વિશેષ સંયોગના કારણે અધિક શ્રાવણ મહિનો આવ્યો છે એટલે જાતકોને 26 એકાદશીનો લાભ મળશે. અધિકમાસમાં કમલા એકાદશી એટલે કે પદ્મિની એકાદશીએ શુભ સંયોગ સર્જાવા જઇ રહ્યો છે. સંતાનપ્રાપ્તિ માટે આ વ્રતનું ખૂબ મહત્વ રહેલું છે.
અધિકમાસના સુદ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહે છે. આ દરમ્યાન વિધિ વિધાન સાથે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવાથી આપને વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
જુલાઇ માસની સુદ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવાય છે જે 29 જુલાઇ એ આવવાની છે. અધિકમાસમાં આવનારી એકાદશીનું મહત્વ વિશેષ રીતે વધી જાય છે. આ એકાદશી 2 વિશેષ સંયોગ સાથે આવી રહી છે. ખાસ વાત તો એ છે કે આ એકાદશીએ બ્રહ્મ અને ઇન્દ્ર યોગ સર્જાય રહ્યો છે. આ દરમ્યાન વિધિ વિધાનથી પૂજા કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંનેના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
પૂજાનું શુભ મુહૂર્ત
આ વર્ષે 29 જુલાઇએ શનિવારે પદ્મિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 28 જુલાઇએ શુક્રવારના દિવસે બપોરે 2:51થી એકાદશીની તિથિનો આરંભ થવાનો છે અને શનિવારે 1:05 એ તેની સમાપ્તિ થશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 7:22થી લઇને સવારે 9:04 સુધી રહેશે. 30 જુલાઇએ તેના પારણાં થશે.
સંતાનપ્રાપ્તિ માટેનું વિશેષ વ્રત
કહેવાય છે કે જે દંપતી પદ્મિની એકાદશીનું વ્રત કરે છે તેમના સમગ્ર પાપકર્મનો નાશ કરે છે ભગવાન વિષ્ણુ અને મૃત્યુ પછી તેમને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. જે દંપતીને સંતાન નથી તેમણે પદ્મિની એકાદશીનું વ્રત કરવું જોઇએ. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને યશ, કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને તેના કુળનું નામ રોશન થાય છે.પદ્મિની એકાદશીના વ્રતથી સંતાનની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં સંસારમાં પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પદ્મિની એકાદશીની પૂજા વિધિ
⦁ પદ્મિની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું
⦁ ત્યારબાદ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું
⦁ હવે ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્વચ્છ રેશમી અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરાવવા
⦁ પછી ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી
⦁ ભગવાન વિષ્ણુને પીળા રંગની મિઠાઇનો ભોગ અર્પણ કરવો
⦁ બ્રાહ્મણને ફળાહારનું ભોજન કરાવો અને તેમને દક્ષિણા અર્પણ કરો
⦁ આ દિવસે એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી
⦁ જાગરણ દરમ્યાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો તેમજ ભજન કીર્તન કરવું
⦁ એકાદશી વ્રત દ્વાદશીના દિવસે પારણાનું શુભ મૂહુર્ત જોઇને જ ખોલવું જોઇએ
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)