આપણે ત્યાં કહેવત છે “પહેલું સુખ તે જાતે નર્યા” એટલે કે, પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો. વ્યક્તિની તંદુરસ્તી પર જ તેની સામાજિક અને આર્થિક સફળતાનો મદાર હોય છે. કોઈ વ્યક્તિ અલગ-અલગ બીમારીથી પીડાતો હોય તો તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. બીમાર વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ કરતાં બધા જ ક્ષેત્રોમાં પાછળ રહે છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, વ્યક્તિની બીમારી પાછળ તેની આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા અને ખરાબ નજર સહિતના કારણો જવાબદાર હોય છે. શિવ મહાપુરાણ અને સ્કંદ પુરાણમાં સ્વાસ્થ્યની તકલીફોથી બચવા કેટલાક ઉપાયો જણાવ્યા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિ નિરોગી રહી શકે છે.
શિવ મહાપુરાણમાં પરસોત્તમ મહિનાનો ઉલ્લેખ છે. આ મહિનામાં અમુક ઉપાય કરવાથી વ્યક્તિને દરેક રોગમાંથી મુક્તિ મળી શકે છે. અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે. જેના કારણે હિન્દુ ધર્મમાં તેનું ખાસ મહત્વ છે. આ મહિના દરમિયાન વ્રત અને દાન – પુણ્યના કામ થાય છે. વર્તમાન સમયે અધિકમાસ ચાલી રહ્યો છે. આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની સાથે મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી શુભ ફળ મળે છે. ત્યારે બીમારીઓથી મુક્તિ મેળવવા અધિક માસની નવમીએ કયો ઉપાય કરવો જોઈએ તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
અધિકમાસની નોમ ક્યારે છે?
પંચાંગ મુજબ આગામી 9 ઓગસ્ટે સવારે 3:52થી અધિક માસના કૃષ્ણ પક્ષની નોમ શરૂ થશે. નોમ 10 ઓગસ્ટ સવારે 4:11 વાગ્યા સુધી રહેશે. એટલે કે 9 ઓગસ્ટના રોજ બુધવારે નોમ ગણાશે.
નિરોગી રહેવા કયો ઉપાય કરી શકાય?
શિવ મહાપુરાણ મુજબ અધિક માસની નોમ પર લોટથી દીવો બનાવો. ત્યારબાદ તેમાં રૂની ચાર વાટ મૂકો અને તેમાં તલનું તેલ નાખો. હવે સાંજે છ વાગ્યાની આસપાસ ઘરના ઉંબરાથી થોડે દૂર બીમાર વ્યક્તિને બેસાડી દો. ત્યારબાદ બીમાર વ્યક્તિ પર તે દીવો ઉપરથી નીચે 21 વખત ઉતારો.
આવું કરતી વખતે ભગવાન નરસિંહનું ધ્યાન ધરો અને અધિક માસની નવમી તિથિ બોલવાની સાથે વ્યક્તિનું નામ અને ગોત્રના નામનું ઉચ્ચારણ કરો. હવે આ દીવાને દરવાજા ઉંબરાની વચ્ચે રાખી દો. આવું કરવાથી બીમાર વ્યક્તિની બીમારીઓ દૂર થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)