હિન્દૂ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, એટલે કે દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં એક-એક એકાદશી હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ હોવાના કારણે 2 એકાદશી વધી ગઈ છે. જોકે, અધિક માસમાં આવનારી એકાદશીનું પણ અનેરું મહત્વ છે, કારણ કે તે ત્રણ વર્ષમાં એક જ વખત આવે છે.
જણાવી દઈએ કે શ્રાવણના અધિક માસની શુક્લ પક્ષની તિથિને પરમા એકાદશી કહેવામાં આવે છે.
પરમા એકાદશીના રોજ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા અને વ્રત કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે અહીં આજે પરમા એકાદશીની તિથિ, શુભ મહુર્ત અને મહત્વ વિશે જાણીશું.
પરમા એકાદશી 2023 તિથિ
પરમા એકાદશીનો પ્રારંભ 11 ઓગસ્ટને શુક્રવારના રોજ સવારે 5:06 વાગ્યે થશે, જયારે પરમા એકાદશીની સમાપન 12 ઓગસ્ટને શનિવારના રોજ સવારે 6 વાગીને 31 મિનિટે થશે. ઉદયા તિથી અનુસાર, એકાદશીનું વ્રત 11 ઓગસ્ટ હોવું જોઈએ, પરંતુ તિથિ ક્ષય થવાના કારણે પરમા એકાદશીનું વ્રત 12 ઓગસ્ટ રાખવામાં આવશે.
પરમા એકાદશીનું શુભ મહુર્ત અને પારણાં
પરમા એકાદશીનું શુભ મહુર્ત સવારે 7:28થી 9:07 વાગ્યા સુધી છે. તો બીજી તરફ 13 ઓગસ્ટના રોજ સવારે 5:49 વાગ્યાથી લઈને 8:19 વાગ્યા સુધી પારણાં કરવાનું મહુર્ત છે.
પરમા એકાદશી મહત્વ
માનવામાં આવે છે કે પરમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવે ખુદ કુબેર ભગવાનને પરમા એકાદશીનું વ્રત રાખવા કહ્યું હતું. આ વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુએ કુબેરને ધનાધ્યક્ષ બનાવી દીધા હતા. માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી સુખ-સંપદા, ધન-દૌલત પ્રાપ્ત થાય છે.
આ વ્રત કરવાથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજપાટ પ્રાપ્ત થયું હતું. એવું માનવામાં આવે છે કે આ વ્રત દરમિયાન પાંચ દિવસ સુવર્ણ દાન, શિક્ષા દાન, અન્ન દાન, ભૂમિ દાન અને ગાય દાન કરવું જોઈએ. જેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ વ્યક્તિના જીવનમાં આવતા દરેક સંકટ અને સમસ્યા દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)