સનાતન ધર્મમાં ભગવાનની પૂજામાં ચડાવવામાં આવેલો પ્રસાદ અમૃત સમાન પવિત્ર માનવામા આવે છે, આ ભોગને ગ્રહણ કરવાથી માનવને સાક્ષાત ઇશ્વરનો આશીર્વાદ મળે છે. સામાન્ય રીતે તમામ દેવી-દેવતાની પૂજામાં ચડાવવામાં આવેલો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.
શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરવાની મનાઇ હોય છે. શ્રાવણમાં જો તમે પણ શિવલિંગની પૂજા કરો છો તો જાણી લો શા કારણે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ન ખાવો જોઇએ.
શા કારણે ન ખાવો જોઇએ શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ?
શિવ પુરાણ અનુસાર, ભગવાન શિવના મુખથી ચંડેશ્વર નામનો ગણ પ્રગટ થયો હતો. ચંડેશ્વર ભૂત-પ્રેતનો પ્રધાન છે. માન્યતા છે કે, શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ચંડેશ્વરનો હોય છે. આ જ કારણ છે કે, શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરવો ભૂત-પ્રેતનું ભોજન ગ્રહણ કરવા સમાન છે. આ કારણે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ખાવો વર્જિત છે.
કયા શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરવો વર્જિત?
ધર્મ ગ્રંથો અનુસાર, માટી, પત્થર અને ચિનાઇ માટીથી બનેલા શિવલિંગ પર અર્પિત કરવામાં આવેલો પ્રસાદ ન ખાવો જોઇએ, આ ચંડેશ્વરનો અંશ હોય છે. શ્રાવણ સોમવારે જે લોકો માટીના પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરે છે, તે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ ન કરો, તેને જળમાં પ્રવાહિત કરી દો.
આવા શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ખાવાથી દૂર થાય છે દોષ
ધાતુથી બનેલા શિવલિંગનો પ્રસાદ ખાઇ શકાય છે, જેમ કે ચાંદી, પીત્તળ, તાંબામાંથી બનેલા શિવલિંગની પૂજામાં ચડાવેલો પ્રસાદ શિવનો અંશ માનવામાં આવે છે. શિવ પુરામમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન શિવનો પ્રસાદ અસંખ્ય પાપોનો નાશ કરે છે. પારાના શિવલિંગ પર પણ પ્રસાદ ચડાવ્યા બાદ તેને ખાઇ શકાય છે અને ઘરે પણ લઇ જઇ શકો છો. તેનાથી કોઇ પ્રકારનો દોષ નથી લાગતો.
પ્રસાદ ચડાવવાના નિયમ
- ભગવાનને હંમેશા સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવવો જોઇએ.
- પ્રસાદ ક્યારેય જમીન પર મૂકીને ન ચડાવવો જોઇએ.
- તેને પીત્તળ કે ચાંદી જેવા ધાતુના પાત્રમાં મૂકીને ચડાવો.
- પૂજા પૂર્ણ થયા બાદ પ્રસાદને ભગવાન પાસેથી લઇ લો અને શ્રદ્ધાપૂર્વક સપરિવાર ગ્રહણ કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)