હિન્દુ ધર્મમાં સર્પ પૂજનીય માનવામાં આવે છે. તેમની દેવતા રૂપે પૂજા કરવામાં આવે છે. નાગને સમર્પિત નાગ પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 4 સપ્ટેમ્બરે આવી રહ્યો છે. આ દિવસે નાગની પૂજાનું વિધાન છે. નાગ પંચમી દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમે આવે છે. આ દિવસે ઘણા લોકો વ્રત પણ કરે છે. નાગ પાંચમના દિવસે અષ્ટનાગોની પૂજા કરવામાં આવે છે.
આ અષ્ટનાગોમાં અનંત નાગ, વાસુકી નાગ, પદ્મ નાગ, તક્ષક નાગ, કુલીર નાગ, કર્કટ નાગ, શંખ નાગ, કાલિયા નાગ અને પિંગલ નાગ.
આ અષ્ટનાગમાં સૌથી મહત્વપૂર્ણ છે, અનંત નાગ જે શેષનાગના નામે જાણીતા છે. માનવામાં આવે છે કે તેમના હજાર મસ્તક હોવાના કારણે તેમને અનંત નામથી ઓળખવામાં આવે છે. તેના વિશે તેમ પણ કહેવામાં આવે છે કે, તેમણે ધરતીના બોજને પોતાના ફેણ પણ ઉઠાવેલો છે. ચાલો જાણીએ કે કોણ છે શેષનાગ અને તમામ નાગમાં તે સૌથી મહત્વપૂર્ણ કેમ છે.
દેવી કદ્રુથી થઇ નાગોની ઉત્પત્તિ
હિન્દુ ધર્મમાં શેષનાગને લઇને ઘણી માન્યતા છે. ધર્મગ્રંથોમાં ક્યાંક તેમના ભગવાન વિષ્ણુની શૈય્યા બનવાનું વર્ણન છે તો ક્યાંક તેમની સાથે અવતાર લેવાનું. આ તમામ વાતોને શરૂઆતથી સમજીએ. બ્રહ્માજીના માનસ પુત્ર પ્રજાપતિ કશ્યપની બે પત્નીઓ હતી, કુદ્ર અને વિનિતા. કદ્રુથી નાગની ઉત્પત્તિ થઇ અને વિનિતાથી પક્ષીઓની. માન્યતા છે કે દેવી કદ્રુએ એક હજાર નાગોને પુત્ર રૂપે મેળવવાની કામના કરી હતી. તેમાં તેમણે સૌથી પહેલા જે પુત્રને જન્મ આપ્યો, તેનું જ નામ શેષનાગ છે. શેષનાગ દેવી કદ્રુના સૌથી મોટા અને પરાક્રમી પુત્ર છે. કાશ્મીરનો અનંત નાગ જિલ્લો તેમનો ગઢ માનવામાં આવે છે. હજાર નાગોને જન્મ આપવાના કારણે દેવી કદ્રુને નાગ માતાના નામે પણ ઓળખવામાં આવે છે.
બ્રહ્માજીએ બનાવ્યા પાતાળ લોકના રાજા
ધર્મગ્રંથો અનુસાર શેષનાગની માતા કદ્રુએ તેમની સાવકી મા વિનિતાથી ઇર્ષ્યા થવાના કારણે છળ કર્યુ હતું. તેનાથી શેષનાગને ખૂબ જ દુખ થયું અને તે સંસારથી અલગ થઇ ગયા. જે બાદ તેમણે ગંધમાદન પર્વત પર તપસ્યા કરવાનો નિર્ણય લીધો. તેમની તપસ્યાથી બ્રહ્માજી એટલા પ્રસન્ન થયા કે તેમને પાતાળ લોકના રાજા બનાવી દીધા. જો કે પછી તેમણે ભગવાન વિષ્ણુના સેવક બનવાનો નિર્ણય લીધો. જે બાદ પૃથ્વીની નીચે એટલે કે જળલોકમાં ચાલ્યા ગયા. તે બાદ તેમના નાના ભાઇ વાસુકીને પાતાળ લોકના રાજા બનાવી દેવામાં આવ્યા. આ જ રીતે સિલસિલો આગળ વધતો રહ્યો અને વાસુકી બાદ તક્ષક અને પિંગલા તાપાળ લોકના રાજા બન્યા. કાલાંતરમાં ક્ષીરસાગરમાં પહોંચ્યા બાદ શેષનાગે ભગવાન વિષ્ણુની શૈય્યા બનીને સેવા આપી. આજે પણ શેષનાગને ભગવાન વિષ્ણુના સેવક રૂપે ઓળખવામાં આવે છે. ચિત્રોમાં પણ ભગવાન વિષ્ણુ શેષનાગ પર સૂતેલા જોવા મળે છે.
ભગવાન વિષ્ણુ સાથે લીધા અનેક અવતાર
માન્યતા છે કે શેષનાગે ભગવાન વિષ્ણુ સાથે ઘણા અવતાર પણ લીધા. ત્રેતાયુગમાં જ્યાં તેમણે રામના નાના ભાઇ લક્ષ્મણ રૂપે અવતાર લીધો ત્યાં દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના ભાઇ બલરામ બન્યા. ધરતીના ભારને પોતાના ફેણ પર લેવાને લઇને ઘણી માન્યતાઓ છે. એક માન્યતા છે કે એકવાર ભગવાન વિષ્ણુએ શેષનાગને કહ્યું કે, પૃથ્વી હંમેશા હલતી રહે છે. તેવામાં તેમણે પૃથ્વીને પોતાના ફેણ પર એવી રીતે ધારણ કરી કે તે સ્થિર થઇ જાય. માન્યતા છે કે ત્યારથી શેષનાગે પૃથ્વીના ભારને પોતાના ફેણ પર ઉઠાવેલો છે.
એક પૌરાણિક કથા અનુસાર, ગમધમાદન પર્વત પર શેષનાગની તપસ્યાથી બ્રહ્માજી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું કે તેની બુદ્ધિ સ્થિર રહેશે. આ સાથે જ તેમણે તેમ પણ કહ્યું હતું કે, ધરતી હંમેશા હલતી રહી છે, તેવામાં તમે તેને તમારા ફેણ પર ધારણ કરી લો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)