શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માઁની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે. શીતળા સાતમ દિવસના આગળ દિવસ રાંધણ છઠ્ઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા કરે છે.
શીતળા સાતમની પૂજા
બુધવારે શીતળા સાતમના દીવસે માતા શીતળા માતાજીની પૂજા કરવી માતાજીને કુલેર તથા શ્રીફળ વધેરી અર્પણ કરવું માતાજીને આપણા ઘરમાં શીતળતા રાખી ઘરના સભ્યોને કોઈ બીમારી ન થાય એવી પ્રાર્થના કરવી. મહિલાઓ શીતળા માતાની પૂજા કરવા માટે ઘરની નજીકના તળાવ પર સ્નાન માટે જાય છે. આખો દિવસ ઉપવાસ રાખી સાંજે ઠંડુ ભોજન કરે છે.
પહેલાના માણસને આખા શરીરે મકાઈના દાણા જેવા ફોડલા થાય ત્યારે શીતળા માતાની બાધા રાખી ઠંડુ ખાવાનું રાખતા અને શીતળા સાતમે સાત ઘર માગણ થઈ પાડોશમાંથી માંગીને ખાતા. તથા શીતળા માતાના મંદિરે જઈ માનતા પૂરી કરતા. આજે પણ શીતળા માતાના મંદિરે લોકો દર્શન કરવા શીતળા સાતમે જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)