તુલસીનો છોડ સનાતન ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, ત્યાં ક્યારેય ધનની કમી નથી હોતી અને દરિદ્રતા પણ નથી આવતી. ધાર્મિક ગ્રંથોમાં તુલસી વિશે વિગતે જણાવવામાં આવ્યું છે.
કહેવામાં આવે છે કે તુલસીમાં દેવી લક્ષ્મી વાસ કરે છે અને તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. ધાર્મિક અને જ્યોતિષ ઉપયોગ ઉપરાંત, તુલસીમાં આયુર્વેદિક ગુણ પણ છે, જેથી તેને ખાસ માનવામાં આવે છે.
આ ઉપરાંત, કેટલાંક છોડ એવા પણ છે, જેને ઘરમાં તુલસી સાથે વાવવાથી ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થઇ શકે છે. આ સાથે જ આ છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને પ્રગતિ પણ લઇને આવે છે.
આ છોડ કયા છે, જેને તુલસી સાથે વાવવા શુભ હોય છે. ચાલો જાણીએ…
કેળનું વૃક્ષ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો ગુરુવારના દિવસે ઘરમાં કેળનું વૃક્ષ વાવવામાં આવે તો ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર વધવા લાગે છે. તેવામાં ધાર્મિક માન્યતા છે કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે. દરેક ગુરુવારે આ વૃક્ષની પૂજા અર્ચના કરવી ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડ સાથે કેળનું વૃક્ષ વાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ શકે છે. તુલસી સાથે કેળનું વૃક્ષ ઘરમાં બરકત લાવે છે. કેળના વૃક્ષને હંમેશા ઘરના મુખ્ય દ્વાર પર જમણી બાજુ અને તુલસીને હંમેશા ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ વાવવી જોઇએ.
શમીનો છોડ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તુલસી સાથે શમીનો છોડ વાવવો શુભ માનવામાં આવે છે. શમીના છોડનો સીધો સંબંધ શનિદેવ સાથે હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે, શમીના છોડની શનિવારના દિવસે પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શમીના છોડની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તુલસી સાથએ શમીનો છોડ વાવવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે.
કાળા ધતૂરાનો છોડ: ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાળા ધતૂરાના છોડમાં ભગવાન શિવવો વાસ હોય છે. જો ઘરમાં કાળા ધતૂરાનો છોડ વાવો છો તો જીવનમાં ખુશીઓ આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તુલસીના છોડ સાથે જો કાળો ધતૂરો વાવવામાં આવે તો તેનાથી ભગવાન શિવની કૃપા અનેક ગણી વધી જાય છે. કાળો ધતૂરો હંમેશા મંગળવારના દિવસે વાવવો જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)