ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું ખૂબ જ મહત્વ ગણાય છે. દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લપક્ષની પૂનમ પર રક્ષાબંધન આવે છે. ચાલુ વર્ષે અધિક માસ હોવાના કારણે શ્રાવણ મહિનો બે મહિના જેટલો મોટો છે. આ વખતે રક્ષાબંધન બે દિવસ એટલે કે તારીખ 30 અને 31 ઓગસ્ટે ઉજવાશે.
રક્ષાબંધનને ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જોકે, જે બહેનોને ભાઈ ન હોય તેઓએ નિરાશ થવાની જરૂર નથી.
રક્ષાબંધને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
રક્ષાબંધનના દિવસે ભદ્રા લાગવાના કારણે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 30 ઓગસ્ટની રાત્રે 9:02 થી બીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટની સવાર 7:05 સુધી રહેશે.
આ છ વૃક્ષોને બાંધી શકાય છે રાખડી
ધાર્મિક માન્યતાઓ મુજબ, જે બહેનને ભાઈ ન હોય તે લીમડો, વડ, આમળા, કેળા, શમી અને તુલસીને રાખડી બાંધી શકે છે. આમળા, લીંબડો અને વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવને વાસ હોવાનું કહેવાય છે. જેથી આ વૃક્ષોને રાખડી બંધાવી શુભ માનવામાં આવે છે. તુલસીજીને રાખડી બાંધવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. જેના કારણે તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. બીજી તરફ જો તમે શમીના વૃક્ષને રાખડી બાંધો તો ભોળાનાથ પ્રસન્ન થાય છે અને તમારી રક્ષાનું વરદાન મળે છે. કેળાના વૃક્ષને રાખડી બાંધવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેઓના આશીર્વાદથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.
હનુમાનજીને બાંધી શકો રાખડી
રક્ષાબંધનના દિવસે તમે હનુમાનજીને પણ રાખડી બાંધી શકો છો. બજરંગ બલીને રાખડી બાંધવાથી કુંડળીમાં રહેલા મંગળ દોષની નકારાત્મક અસર ઓછી થવા લાગે છે. હનુમાનજીને રાખડી બાંધવાથી બુદ્ધિ વધે છે અને ગુસ્સા પર કંટ્રોલ રહે છે.
કળશને પણ રાખડી બાંધી શકો
પૌરાણિક માન્યતાઓ મુજબ પૂજા કળશને રાખડી બાંધવી શુભ છે. કળશના મુખ પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જ્યારે કળશના કંઠ ભાગમાં ભગવાન શિવ રહે છે. કળશના મૂળ ભાગમાં બ્રહ્માનો વાસ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત કળશના મધ્ય ભાગમાં માતૃશક્તિઓ વિરાજમાન હોય છે. જેથી તમે પૂજા કળશને પણ રાખડી બાંધી શકો છો. તેનાથી બધા જ દેવી-દેવતાઓના આશીર્વાદ મળી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)