તુલસી ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે, તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલો હોય છે તે લોકો હંમેશા ખુશ રહે છે. આવા ઘરોમાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે તુલસીનું યોગ્ય દિશામાં હોવું જરૂરી છે.
દેવી ભાગવત પુરાણમાં પણ તુલસીની દિશાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તુલસીના છોડને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
તુલસીને દરેક ઘરના આંગણાની સુંદરતા માનવામાં આવે છે. જો કે તુલસીનો છોડ લગાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ તેને કઈ દિશામાં રાખવો તેની પણ કાળજી લેવી જોઈએ.
પૌરાણિક શાસ્ત્રો અનુસાર તુલસીના પાન વિના પૂજા પણ પૂર્ણ થઈ શકતી નથી. ધાર્મિક કારણોસર તુલસીનું જેટલું મહત્વ છે, તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે.
જો તુલસીનો છોડ ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે તથા નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશી શકતી નથી. તુલસીને હંમેશા પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવો અને જો શક્ય હોય તો દરરોજ સાંજે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ.
વાસ્તુના નિયમો અનુસાર ભૂલથી પણ તુલસીના છોડને દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. આ દિશામાં પૂર્વજોનો વાસ માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી તે સુકાઈ જાય છે અને દેવી લક્ષ્મી તમારા ઘરથી નારાજ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારા ઘરમાં ગરીબી ફેલાવા લાગે છે અને પરિવારના સભ્યોના પરસ્પર સંબંધો પર અસર થવા લાગે છે. આ દિશાનો ઉપયોગ પિતૃઓની પૂજા માટે કરવામાં આવે છે, તેથી ભૂલથી પણ અહીં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ.
જો તમને તમારા ઘરમાં લક્ષ્મી નથી આવી રહી અથવા તમે પૈસા બચાવી નથી શકતા તો તુલસીનો આ ઉપાય અજમાવવા જેવો છે. તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ રાખો. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. સાથોસાથ તમને માતા લક્ષ્મીના આશીર્વાદ અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
જો તુલસી કોઈ કારણ વગર સુકાઈ જાય છે. તો તે આર્થિક નુકસાન સૂચવે છે. જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે, ત્યાં માતા લક્ષ્મી વાસ કરતા નથી. તુલસીના પાન લીલા હોય છે અને લીલો રંગ બુધ ગ્રહનું પ્રતીક છે, તેથી તુલસીનો છોડ સુકાઈ જવો એ અશુભ સંકેત માનવામાં આવે છે.
ઘરમાં સૂકા તુલસીના છોડનો વિચાર કરવામાં આવતો નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂકી તુલસીને નદી અથવા કોઈપણ જળાશયમાં ફેંકી દેવી જોઈએ. આમ કર્યા બાદ તરત ઘરમાં બીજો તુલસીનો છોડ લગાવવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)