ગણેશ ચતુર્થીથી જ ઘર અને પંડાલોમાંથી કાનમાં એક જ ગૂંજ સંભળાય છે. ગણપતિ બાપ્પા મોરિયા. શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ ત્રણ શબ્દોનો અર્થ શું છે. આખરે ગણપતિને મોરિયા કેમ કહેવામાં આવે છે.
ગણેશ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં એક મહા બળશાળી દાનવ હતો સિંધુ. બળશાળી હોવાની સાથે તે ખૂબ જ દુષ્ટ પ્રવૃત્તિનો હતો. લોકોને હેરાન કરીને તે ખુશ થતો હતો.
તેના અત્યાચારથી તમામ લોકો ત્રાસી ગયા હતા. મનુષ્ય જ નહીં દેવી-દેવતા પણ તેના અત્યાચારી અને આતંકી સ્વભાવથી કંટાળી ગયા હતા. ઋષિ-મુનિઓનો યજ્ઞ વગેરે કરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. તમામ તેનાથી બચવાના ઉપાય શોધી રહ્યા હતા. તેનાથી બચવા માટે દેવતાઓએ ગણપતિજીનું આહ્વાન કર્યું.
દેવતાઓએ તેમને સિંધુ દાનવનો સંહાર કરવાનો આગ્રહ કરતા કહ્યું કે તેનું આ સંસારમાં રહેવાથી કોઈ શાંતિથી જીવી શકતું નથી. ગણેશજી જે દરેકના કષ્ટો દૂર કરે જ છે. તેમણે તેનો સંહાર કરવા માટે મોર એટલે કે મયૂરને પોતાનું વાહન પસંદ કર્યું અને છ ભુજાઓવાળો અવતાર ધારણ કર્યો. યુદ્ધમાં ગણપતિએ તેનો વધ કરીને લોકોનો ઉદ્ધાર કર્યો. બસ ત્યારથી જ લોકો તેમના આ અવતારની પૂજા ગણપતિ બાપ્પા મોરિયાના જયકારા સાથે કરે છે, જેથી ગણપતિ તેમના પરિવાર અને સમાજમાં અત્યાચાર કરનારનો સંહાર કરીને તેમને પ્રભુની ભક્તિમાં લીન રહેવાનું વાતાવરણ નિર્મિત કરે.
આ જ કારણ છે કે, જ્યારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ’ ના નારા લગાવવામાં આવે છે. ગણપતિ બાપ્પા સાથે જોડાયેલા મોરિયા શબ્દ પાછળ ગણેશજીનું મયૂરેશ્વર સ્વરૂપ જ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)