તાજેતરમાં જ જન્માષ્ટમીનો તહેવાર ગયો. કૃષ્ણની વાત હોય ત્યા દ્વારકાની વાત આવે. કહેવાય છે કે, દ્વારકા નગરી આજે પણ દરિયામાં સમાયેલી છે. થોડા વર્ષો પહેલા તેને શોધવા માટે ખાસ ઓપરેશન ચલાવાયું હતું. એવી માન્યતા છે કે, મથુરા નગરી છોડ્યા બાદ શ્રીકૃષ્ણએ દ્વારકામાં એક નગર વસાવ્યુ હતું. તેનુ પ્રાચીન નામ કુશસ્થલી હતું. અનેક મોટા દરવાજાઓનું આ શહેર હોવાને કારણે તેનું નામ દ્વારકા પડ્યુ હતું. આ શહેરની ચારે તરફ અનેક લાંબી દિવાલો હતી, જેની અંદર અનેક દરવાજા હતા. આ દિવાલો આજે પણ સમુદ્રની અંદર ઘરબાયેલી છે.
લોકમાન્યતા છે કે, કૃષ્ણ પોતાના 18 સાથીઓ સાથે દ્વારકા આવ્યા હતા, તેઓએ અહી 36 વર્ષ રાજ કર્યુ હતુ. તેના બાદ તેઓઓ પ્રાણનો ત્યાગ કર્યો હતો. ભગવાન કૃષ્ણની વિદાય થતા જ દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી અને યાદવ કુળનો નાશ થયો હતો. દ્વારકા નગરી એક કરતાં વધુ વખત કાળના પેટાળમાં સમાઈ ગઈ હતી.
કયા બે શ્રાપને કારણે ડૂબી હતી દ્વારકા
પહેલો શ્રાપ
મહાભારત યુદ્ધ બાદ કૌરવોના માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોષિત ગણાવ્યા હતા. તેઓએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે, જે રીતે કૌરવોના વંશનો નાશ થયો છે, બસ એ જ રીતે તેના સમગ્ર યાદવવંશનો પણ નાશ થશે.
બીજો શ્રાપ
પ્રચલિત વાર્તા અનુસાર, માતા ગાંધારી ઉપરાંત બીજો શ્રાપ ઋષિઓ દ્વારા શ્રીકૃષ્ણના પુત્ર સાંબને આપવામાં આવ્યો હતો. હકીકતમાં, મહર્ષિ વિશ્વામિત્ર, કણ્વ, દેવર્ષિ નારદ વગેરે દ્વારકા પહોંચ્યા હતા. ત્યાં યાદવ કુળના કેટલાક યુવકોે ઋષિઓની મજાક ઉડાવી હતી. તેમાં શ્રીકૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રી વેષમાં ઋષિઓની પાસે લઈ ગયા હતા અને કહ્યુ હતું કે આ સ્ત્રી ગર્ભવતી છે. તેના ગર્ભથી શું પેદા થશે. આથી ઋષિમુનિ ક્રોધિત તયા હતા અને તેઓએ શ્રાપ આપ્યો હતો કે, શ્રીકૃષ્ણનો આ પુત્ર જ યાદવ કુળનો નાશ કરવા માટે લોખંડનો મૂસળ બનાવશે, જેનાથી તે પોતાના કુળનો નાશ ખુદ કરશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)