હિંદુ ધર્મમાં ગણપતિ બાપ્પાનું ખૂબ મહત્વ છે. તેમને દેવોમાં સર્વપ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, એવામાં કોઈ પણ શુભ કામની શરૂઆતમાં સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બર 2023ના દિવસે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવનાર છે. 10 દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે ગૌરી પુત્ર ગણેશજીની પૂજા દરમિયાન મોદક ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.
ભગવાન શ્રીગણેશને મોદક સૌથી પ્રિય છે. દરેક પ્રસંગે ભગવાન ગણેશની પૂજામાં મોદક ચોક્કસથી ધરાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે મોદક સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જે ભગવાન શ્રી ગણેશને સૌથી વધુ પ્રિય છે અને તેમનો ભોગ ધરાવવાથી પણ તે પ્રસન્ન થઈ જાય છે? તો ચાલો જાણીએ ભગવાન ગણેશના પ્રિય ભોગ વિશે.
ગમેશ ચતુર્થી પર ભગવાન ગણેશને ધરાવો આ ભોગ
પૂરણ પોળી
ગણેશ ચતુર્થી આમ તો મહારાષ્ટ્રનો તહેવાર છે, પણ સમગ્ર ભારતમાં તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં બાપ્પાને પ્રસાદમાં પૂરણપોળી ચઢાવવામાં આવે છે. પૂરણ પોળી મહારાષ્ટ્રની પરંપરાગત મીઠી વાનગી છે. પુરણ પોલી લોટ, મીઠી દાળ અને ગોળમાંથી તૈયાર કરવામાં આવે છે.
બાંસુદી
બાંસુદીથી મોટાભાગના લોકો પરિચિત જ હોય છે, તે ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. આ આ જાડી અને મલાઈદાર મીઠાઈ બાપ્પાને અર્પણ કરવામાં આવે છે. આ રબડી જેવું જ છે. જે દૂધને ઘટ્ટ કરીને તૈયાર કરવામાં આવે છે અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવામાં આવે છે. જેનાથી તેનો સ્વાદ વધુ સારો બને છે.
માલપુઆ
ગણેશોત્સવ દરમિયાન તમે ભગવાન ગણેશને માલપુઆ પણ ધરાવી શકો છો. માલપુઆ ઘઉંના લોટ અથવા મેંદામાંથી તૈયાર કરવામાં આવે છે. તે ઘી અને ડ્રાયફ્રુટ્સ સાથે તૈયાર કરવામાં આવે છે. તમે માલપુઆ ધરાવીને પણ બાપ્પાને ખુશ કરી શકો છો.
શ્રીખંડ
ગણેશોત્સવ પર તમે વિઘ્નહર્તાને શ્રીખંડ પણ ભોગ તરીકે ધરાવી શકો છો. શ્રીખંડ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે. શ્રીખંડ દહીંમાંથી તૈયાર કરવામાં આવે છે. કેસર, ફળ, ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય સ્વાદિષ્ટ વસ્તુઓ મિક્સ કરીને દહીંમાંથી શ્રીખંડ તૈયાર કરવામાં આવે છે.
ખીર
તમે ખીરનો પ્રસાદ ધરાવીને પણ બાપ્પાને પ્રસન્ન કરી શકો છો. તમે ચોખા અને દૂધ સાથે સરળતાથી સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી શકો છો. ડ્રાયફ્રૂટ્સ અને કેસર ઉમેરી તમે ખીરને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)