આપણો દેશ એ એક ઉત્સવપ્રેમી દેશ છે. અહીં વિવિધતામાં એકતા છે. અહીં દરેક ધર્મનું સન્માન થાય છે અને દરેક ધર્મના વિવિધ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવે છે. હિન્દુ ધર્મની વાત કરીએ તો પહેલાં જન્માષ્ટમી પર કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યાર પછી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. અને ગણેશોત્સવ પછી હવે ગણતરીના દિવસોમાં હવે શક્તિની ઉપાસનાના નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે. થોડા જ દિવસોમાં ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણીની શરૂઆત થઈ જશે. 15 ઓક્ટોબરે નવરાત્રિનું પ્રથમ નોરતુ છે. તેવામાં ખેલૈયાઓ રંગે ચંગે ગરબે ઘૂમશે.
નવરાત્રીનું ગુજરાતમાં અનેરું મહત્વ છે, કેટલાક લોકો ધાર્મિક રીતે પણ નવરાત્રીને ઉજવે છે. જેમાં લોકો ઉપવાસ અને ગરબા રમે છે. નવરાત્રીમાં માતા આદ્યશક્તિને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા પાઠ કરતા હોય છે ત્યારે ઘણી એવી વસ્તુઓ છે જે આ નવરાત્રીના પવન પર્વ દરમિયાન ના કરવી જોઈએ.
1. જો તમે નવરાત્રિમાં કળશ સ્થાપના કરો છો, માતાની ચોકીનું આયોજન કરી રહ્યાં છો અને અખંડ જ્યોત પ્રજ્વલિત કરી રહ્યાં છો તો ઘરને ક્યારેય ખાલી છોડવું નહીં. પૂજા ઘરને ગંદુ રાખવું નહીં.
2. નવરાત્રિ દરમિયાન નખ કાપવાની મનાઈ છે. નવરાત્રિના 9 દિવસ દાઢી-મૂંછ અને વાળ કપાવવા ના જોઈએ. આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું એ શુભ માનવામાં આવે છે.
3. નવરાત્રિમાં ઉપવાસ રાખનારા વ્યક્તિએ ભૂલથી પણ ડુંગળી, લસણ કે પછી માંસાહારી ભોજનનું સેવન કરવું જોઈએ નહીં. નશીલા પદાર્થો જેવાકે દારૂ, બિયર વગેરેથી પણ દૂર રહેવું.
4. નવરાત્રિમાં 9 દિવસ ઉપવાસ રાખનારા લોકોએ કાળા રંગના કપડા ના પહેરવા. આ દરમિયાન સાફ સફાઈનું ધ્યાન રાખવું. સીવણ કામ કરવાની પણ મનાઈ છે.
5. ઉપવાસના 9 દિવસ દરમિયાન ભોજનમાં અનાજ અને મીઠું લેવું નહીં. ભોજનમાં સિંધવ મીઠું, મોરૈયો, ફળ, બટાકા, સાબુદાણા, સામો, મગફળી વગેરેનું સેવન કરવું. નવરાત્રિ દરમિયાન એક જગ્યાએ બેસીને ફળાહાર ગ્રહણ કરવું.
6. જો નવરાત્રિમાં દુર્ગા ચાલીસા મંત્ર અથવા સપ્તશતીનો જાપ કરી રહ્યાં છો તો એ દરમિયાન વચ્ચે કોઈની સાથે વાત કરવી નહીં. આવું કરવાથી તમારી પૂજાનું ફળ નકારાત્મક શક્તિઓ લઈ જાય છે. ઉપવાસ રાખનાર લોકોએ બેલ્ટ, ચપલ-જૂતા, બેગ જેવી ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં.
7. ઉપવાસ રાખનારે 9 દિવસ સુધી લીંબુ કાપવું નહીં. ઉપવાસ દરમિયાન ફળ ખાઈ રહ્યાં છો તો એક જ વખતમાં તેને પૂરૂ કરો. ઉપવાસનું ફળ મેળવવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)