ગુજરાતીઓ માટે નવરાત્રીનો તહેવાર ખૂબ વિશેષ મહત્વ ધરાવે છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયા બાદ દસમો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો પોતાના ઘરે માં દુર્ગાની મૂર્તિ અથવા ગરબાની સ્થાપના કરે છે. ત્યારે ઘણા લોકો નવરાત્રીના તહેવાર સાથે જોડાયેલી ઘણી બાબતો નથી જાણતા.
આજે આ આર્ટિકલમાં અમે તમને તેના વિશે જાણકારી આપીશું.
નવરાત્રી શબ્દનો અર્થ
નવરાત્રી બે શબ્દોનું સંયોજન છે. જણાવી દઈએ કે 9 રાત્રી અને અને 9 દિવસોને નવરાત્રીના રૂપમાં ઉજવવામાં આવે છે. ભારતમાં એક વર્ષમાં કુલ 3 મુખ્ય નવરાત્રી ઉજવવામાં આવે છે. જેમાં શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી અને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી ખૂબ જ મહત્વની હોય છે.
નવરાત્રીનો તહેવાર છે શુભ
જો નવરાત્રી દરમિયાન તમે ગરબા રમો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ જો કોઈ છોકરી નવરાત્રી દરમિયાન તમને કોઈ સિક્કો આપે છે, તો તે પણ શુભ માનવામાં આવે છે. બંગાળમાં પણ નવરાત્રીના તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
નવરાત્રીનું મહત્વ
નવરાત્રી દરમિયાન શક્તિના 9 રૂપોની પૂજા કરવાને ખાસ માનવામાં આવે છે. ત્યારે અહીં શક્તિના 9 રૂપોના નામ જણાવવામાં આવ્યા છે.
– શૈલપુત્રી
– બ્રહ્મચારિણી
– ચંદ્રઘંટા
– કુષ્માન્ડા
– સ્કંદમાતા
– કાત્યાયની
– કાલરાત્રિ
– મહાગૌરી
– સિધ્ધિદાત્રી
કેમ થાય છે 9 દિવસ પૂજા
જયારે અસુરોના સંહાર માટે માતાજી નીકળ્યા ત્યારે તેમને પાડાના અવતારમાં રહેલા મહીષાસુરનો વધ કરવા માટે 9 દિવસ લાગ્યા હતા. જેથી આ 9 દિવસ સુધી માંની જીતને ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે માતાજીએ યુદ્ધના 9 દિવસો દરમિયાન દરરોજ અલગ-અલગ રૂપ ધારણ કર્યા હતા. જેથી નવરાત્રીના 9 દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ 9 રૂપોની આરાધના કરવામાં આવે છે.
આ માટે કરવામાં આવે છે 108 મંત્રોનો જાપ
માનવામાં આવે છે કે લંકા જતા પહેલા ભગવાન રામે માં દુર્ગાની પૂજા કરી હતી, જેને રામ મહિષાસુર મર્દિનીના નામથી સંબોધતા હતા. આ પૂજા રાવણ સાથે યુદ્ધ પહેલા કરવામાં આવી હતી અને નવરાત્રીના 10માં દિવસે રાવણનો વધ થયો હોવાથી તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ પૂજામાં ભગવાન રામે માતાને 108 નીલકમલ અર્પણ કર્યા હતા અને તેથી આજે પણ 108 મંત્રોનો જાપ શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)