ભારતમાં આખા વર્ષ દરમિયાન અનેક તહેવારો ઉજવવામાં આવે છે. દરેક તહેવારનું પોતાનું આગવું મહત્વ હોય છે. આ તહેવારો પૈકી દિવાળીનું મહત્વ સૌથી વધારે છે. પ્રકાશના પર્વ દિવાળીમાં ખરીદીનું પણ વિશેષ મહત્વ હોય છે.
ધનતેરસ દિવાળીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણ, વાહન વગેરે જેવી વસ્તુઓ ખરીદવામાં આવે છે.
આમ તો, દિવાળી પહેલાં લોકો શોપિંગ શરૂ કરી દેતા હોય છે, પરંતુ કેટલીક ખાસ વસ્તુઓ એવી પણ હોય છે, જેને ખાસ દિવસે જ ખરીદવામાં આવે છે. ખાસ દિવસે આ વસ્તુઓ ખરીદવાનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. આવી જ એક વસ્તુ સાવરણી છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું મહત્વ અનન્ય છે.
બજારમાં અનેક પ્રકારની સાવરણી ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ ઘરમાં સફાઈ માટે કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર સહિત અન્ય શાસ્ત્રોમાં સાવરણીની ખરીદી અને જાળવણી વિશે જણાવવામાં આવ્યું છે. ધનતેરસ પર સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં નવી સાવરણી લાવવાથી દરિદ્રતા દૂર થાય છે. દેવી લક્ષ્મીને આશીર્વાદ મળે છે. કારણ કે દેવી લક્ષ્મી સાવરણીમાં નિવાસ કરે છે.
એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે તેમજ ધનમાં વધારો થાય છે, એટલું જ નહીં માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે, ઘરની બહાર પણ નથી નીકળતી. એટલા માટે લક્ષ્મી પૂજનના દિવસે સાવરણીની પૂજા કરવી જોઈએ
સાવરણીનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. આ કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં સમસ્યાઓ આવવા લાગે છે.
શાસ્ત્રો અનુસાર સિક સાવરણી પૂજા કરવી જોઈએ, જે માત્ર નાના કદમાં પૂજા માટે જ બનાવવામાં આવે છે. આ સાવરણી બજારમાં સરળતાથી મળી રહે છે. જો આ સાવરણી ન મળે, તો તમે મોટી સાવરણીનો ઉપયોગ પણ કરી શકો છો.
સાવરણીને ઘરમાં લાવતી વખતે પાણી છાંટીને કુમકુમ અને ચોખાનું તિલક કરી લાલ કપડાથી રોલ બાંધીને દોરો બાંધો. પછી સાવરણીને તે સ્થાન પર રાખો, જ્યાં લક્ષ્મી પૂજન કરવાનું છે. પૂજાના સમયે માતા લક્ષ્મી સાથે સાવરણીની પૂજા કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)