હિંદુ કેલેન્ડર મુજબ જ્યારે પ્રદોષકાળના સમયગાળામાં ત્રયોદશી તિથિ આવે ત્યારે તે દિવસને ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. પ્રદોષ વ્રત દર મહિને બે વાર એટલે કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં મનાવવામાં આવે છે. 29મી ઓક્ટોબરથી (ઉત્તર ભારત મુજબ) કારતક માસનો પ્રારંભ થયો છે. આવી સ્થિતિમાં જાણીએ કે કારતક મહિનામાં પ્રથમ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે.
પ્રદોષ વ્રતની પૂજા પદ્ધતિ અને શુભ મુહૂર્ત વિશે પણ જાણો.
કારતક મહિનાની શુક્લ ત્રયોદશી તિથિ શુક્રવાર, 10 નવેમ્બર, 2023 ના રોજ બપોરે 12:35 વાગ્યે શરૂ થાય છે અને 11 નવેમ્બરે બપોરે 01:57 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 10 નવેમ્બર શુક્રવારે પ્રદોષ વ્રત મનાવવામાં આવશે. શુક્રવારના દિવસે પ્રદોષ હોવાથી તેને શુક્ર પ્રદોષ વ્રત કહેવામાં આવશે. આ દિવસે પૂજાનો શુભ સમય સાંજે 05:30 થી 08:08 કલાક સુધીનો રહેશે.
પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને દૈનિક સ્નાન પૂજાથી પરવારીને પછી ભગવાન શિવનું સ્મરણ કરતા વ્રતની પ્રતિજ્ઞા લો. પ્રદોષ વ્રતની પૂજા બે વખત કરવામાં આવે છે, એક વાર સૂર્યાસ્ત પહેલા અને બીજી વાર સૂર્યાસ્ત પછી. આ દિવસે પ્રદોષ કાળમાં કરવામાં આવતી પૂજાનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં પૂજા સ્થળને સારી રીતે સ્વચ્છ કરી ગંગાજળનો છંટકાવ કરીને પવિત્ર કરો.
આ પછી ભગવાન શિવની પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપિત કરો. તે પછી ભોલેનાથજીની વિધિવિધાન સાથે પૂજાનો પ્રારંભ કરો અને શિવલિંગ પર દૂધ અથવા જળનો અભિષેક કરો. મહાદેવજીની કૃપા મેળવવા માટે આ દિવસે ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. સાંજે ફરી એ જ રીતે ભગવાન શિવની પૂજા કરો અને ફળાહાર કરીને ઉપવાસના પારણા કરો.
પ્રદોષ વ્રતના દિવસે મહાદેવની પૂજા કરવાની પરંપરા- વિધાન છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રત રાખવાથી સાધક જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ ઉપરાંત સાધક પર ભોલેનાથની વિશેષ કૃપા રહે છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)