કારતક મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ વિક્રમ સંવતનો પ્રારંભ થવાની સાથેસાથે ગોવર્ધનની પૂજા કરવાની પણ પરંપરા છે. આજના દિવસને અન્નકૂટના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે વિવિધ મંદિર, અનેકના ઘરમાં ભગવાનને અન્નકૂટ ચઢાવવામાં આવે છે. ગોવર્ધન પૂજાનો તહેવાર દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે અમાસની તિથિ બે દિવસ હોવાને કારણે ગોવર્ધન પૂજા આજે 14 નવેમ્બરને મંગળવારના રોજ ઉજવવામાં આવી રહી છે.
આજના દિવસે ગોવર્ધન પર્વત અને શ્રી કૃષ્ણના સ્વરૂપ એવા ગાયની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. મથુરા, વૃંદાવન સહિત સમગ્ર બ્રિજમાં આજના દિવસે અન્નકૂટ મહોત્સવ ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. વિવિધ મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ કારતક સુદ એકમથી કાર્તિક પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. આ વખતે કારતક માસના શુક્લ પક્ષની એકમ તિથિ 13 નવેમ્બર સોમવારના રોજ બપોરના 2:56 કલાકે શરૂ થઈ રહી છે અને 14 નવેમ્બર મંગળવારના રોજ બપોરે 2:36 કલાકે એકમ તિથિ પૂર્ણ થશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને, ગોવર્ધન પૂજા આજે 14 નવેમ્બરને મંગળવારના રોજ ઉજવવામાં આવી રહી છે.
ગોવર્ધન પૂજાનું મહત્વ
એક એવી ધાર્મિક માન્યતા છે કે, જે પણ ભક્ત આ દિવસે ભગવાન ગિરિરાજની પૂજા કરે છે, તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવા ગિરિરાજ મહારાજની કૃપા સમગ્ર પરિવાર ઉપર વરસતી રહે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ગોવર્ધનની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ગોવર્ધનની પૂજાથી આર્થિક સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ધન, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)