મેટિડેશન રોજેરોજ : જો શરીરની વાત કરતા હોઈએ તો મનને અચૂક યાદ રાખવું પડે. જે મનથી સ્વસ્થ છે એ શરીરનો જંગ આપોઆપ જીતે છે. મેડિટેશન મનને સ્વસ્થ રાખવાનું કામ અવ્વલ દરજ્જા પર કરે છે અને એટલે જ તમારે નિયમ બનાવવાનો છે કે દિવસમાં ૧૦ મિનિટ મેડિટેશનને ફાળવવી જ ફાળવવી. બીજી વાત, ધારો કે મેડિટેશન માટે કોઈ એક્સપર્ટ એફર્ડ ન કરી શકો તો કોઈની સલાહ લઈને કે પછી યુટ્યુબનો આશરો લઈને પણ શરૂ કરી શકો.
એક કલાકની ઍક્ટિવિટી : કંઈ પણ થઈ જાય, તમારે તમારા શરીરને એક કલાક ઍક્ટિવ રાખવાનું છે અને એને માટે તમને જે ગમે એ શારીરિક ઍક્ટિવિટી તમે કરી શકો છો, પણ એક કલાક શરીર સતત કામ કરતું રહે એવું કરવું જ રહ્યું. જો વૉક ગમે તો એ પણ ચાલશે અને ધારો કે તમે વૉક ન કરી શકો ઍટ લીસ્ટ પ્રયાસ કરો કે મૅક્સિમમ ઊભા રહો. ઊભા રહેવું એ પણ એક પ્રકારની એક્સરસાઇઝ છે એવું સદ્ગુરુ જગ્ગીજી ઑલરેડી કહી ચૂક્યા છે.
પચાસ ટકા રૉ ફૂડ : તમારા ખોરાકમાં રાંધેલા ખોરાકની સરખામણીમાં ૫૦ ટકા રૉ ફૂડ એટલે કે સૅલડ કે પછી ફ્રૂટ્સ હોવાં જ જોઈએ. જરા યાદ કરો કે ઘેટાં-બકરાંથી માંડીને હાથી જેવા જગતના સૌથી શક્તિશાળીને પણ ક્યારેય ડાયાબિટીઝ નથી થતો કે એ ઓવરવેઇટ નથી હોતાં, જેનું કારણ આ રૉ ફૂડ છે. શરીરમાં આંતરડાને સાફ કરવાનું જો કોઈ બેસ્ટ કામ કરતું હોય તો એ રૉ ફૂડ છે. વાત અહીં ૫૦ ટકાની છે, પણ ધારો કે તમે એ ૧૦૦ ટકા કરી નાખો તો પણ એમાં કોઈ નુકસાન નથી.
અતિરેક સહેજ પણ નહીં : ફૂડની બાબતમાં આ વાત સવિશેષપણે લાગુ પડે છે. આગ્રહ કોઈ કરે છે, ફૂડ કોઈનું છે, પણ શરીર તો આપણું છે એ વાત તમારે સમજી લેવી પડશે. વધારાનો જે ખોરાક છે એ જ ખોરાક તમારા શરીરમાં એક્સ્ટ્રા ફૅટ બનીને નડતરરૂપ બને છે માટે નક્કી કરી લો કે તમારું પેટ એ ઉકરડો નથી કે તમે એમાં ઠાંસી-ઠાંસીને બધું ભર્યા કરો. જેટલું ઓછું ખાશો ડાયજેશનનું કામ એટલું જ સરસ રીતે થશે.
ગેટઆઉટ, રેડી ટુ ઇટ ફૂડ : બે મિનિટમાં બની જતા કોઈ પણ પ્રકારના ખોરાકને શરીરમાં નહીં નાખો. હ્યુમન બૉડીને ભારોભાર નુકસાન જો કોઈ ખોરાક કરે છે તો એ આ રેડી ટુ ઇટ ફૂડ કરે છે. એમાં નામ માત્ર સત્ત્વશીલતા હોતી નથી. ગરમ પાણી નાખીને તમે સૂપ પીઓ છો ત્યારે તમને એમ છે કે તમે સાત્ત્વિક ખોરાક ખાઈ રહ્યા છો, પણ તમે ખોટા છો. સત્ત્વશીલતાના નામે તમે રસાયણ પેટમાં ઓરો છો, જે તમને અંદરથી ફોલી ખાય છે.
બાય બાય, પ્રિઝર્વેટિવ્સ : તમને થાય કે બે કે ચાર મિનિટમાં તૈયાર થઈ જતા ફૂડ-પૅકેટની તો વાત થઈ, પછી આ વાત શું કામ? તો કહેવાનું કે બહાર મળતી ચિપ્સથી માંડીને સાદા સેવમમરામાં પણ પ્રિઝર્વેટિવ્સ હોય છે અને માર્કેટમાં મળતા ખાખરામાં પણ એનો ઉપયોગ થયેલો હોય છે. માનવામાં ન આવતું હોય તો તમે ઘરમાં સેવમમરા અને ખાખરા બનાવીને એનું આયુષ્ય ચેક કરજો. એ ૬ મહિના નહીં ટકે, પણ પડીકામાં મળતા ખાદ્ય પદાર્થ ટકે છે, શું કામ? કહ્યું એમ, પ્રિઝર્વેટિવ્સ. એ ખાવાનું બિલકુલ બંધ કરી દો.
કરો દર્શન પ્રસ્વેદનાં : પરસેવો છે એ શરીરનો બગાડ છે, શરીરમાં રહેલી એક્સ્ટ્રા ફૅટ ઓગળવાની નિશાની છે. નિર્ણય લો કે દિવસમાં ઓછામાં ઓછી એક ઍક્ટિવિટી એવી કરવી જેમાં તમને અઢળક પરસેવો વળે. યાદ રહે કે વાત ઍક્ટિવિટીની છે, ગરમીને કારણે વળતા પરસેવાની નહીં. ગરમીને લીધે વળતો પરસેવો તમારા શરીરને ડી-હાઇડ્રેડ કરે છે, પણ ઍક્ટિવિટીને કારણે વળતો પરસેવો એક્સ્ટ્રા ફૅટ દૂર કરે છે.
કેળવો ગૅજેટ્સથી અંતર : તમને એવું લાગે કે શરીર અને ગૅજેટ્સને શું લાગેવળગે તો કહેવાનું કે લાગે પણ ખરું અને વળગે પણ ખરું. ગૅજેટ્સને કારણે સ્ટ્રેસ ઊભી થાય છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. દિવસમાં જેટલો ઓછો સમય ગૅજેટ્સથી દૂર રહેશો દિવસમાં એટલી જ વધારે સ્ફૂર્તિ અને ચપળતા મેળવશો. મન પર અસર કરતાં ગૅજેટ્સથી દૂર રહેશો તો આપોઆપ સોશ્યલ મીડિયાથી પણ અંતર થશે, જે માનસિક સ્વાસ્થ્ય સુધારશે.
સૂર્યાસ્ત પછી નો-ફૂડ : હા, સૂર્યાસ્ત પછી એક પણ પ્રકારનું ફૂડ નહીં લેવાનું એવો નિયમ બનાવી લો. જો બહુ ભૂખ લાગે તો તમે ફ્રૂટ્સ ખાઈ શકો, પણ શક્ય હોય તો એ પણ ખાવાનું ટાળવું. કારણ કે શરીરની ચયાપચયની જે ક્રિયા છે એનો પણ એક સમય હોય છે. ગાયની પાસે વાગોળવાની પ્રક્રિયા છે, પણ આપણી પાસે એ પ્રક્રિયા નથી એટલે પેટમાં ઓરેલાં ફૂડને ડાયજેસ્ટ થવા માટે જે સમય આપવો પડે એ સમય આપવો જ રહ્યો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)